આજ મહિને કોરોનાની ત્રીજી લહેરની નિષ્ણાતોની ચેતવણી

દેશમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાનું નવું, નાનુ મોજું આ મહિને શરૂ થઇ શકે છે એવી ચેતવણી કેટલાક આઇઆઇટી નિષ્ણાતોએ આપી છે. એપ્રિલ-મે મહિનામાં કોવિડના બીજા મોજાએ દેશભરમાં હાહાકાર મચાવ્યા પછી કેસો ખૂબ ઓછા થઇ ગયા હતા, પરંતુ હાલ છેલ્લા કેટલાક દિવસથી દેશના કેટલાક ભાગોમાં, ખાસ કરીને કેરળમાં કેસો ફરીથી વધવા માંડ્યા છે ત્યારે આ નિષ્ણાતોએ આગાહી કરી છે કે કોરોનાવાયરસના રોગચાળાનું ત્રીજું મોજું આ મહિને જ શરૂ થઇ શકે છે અને ઓકટોબરમાં તેની પિક આવી શકે છે. એક મેથેમેટિકલ મોડેલના આધારે આ આગાહી તે નિષ્ણાતોએ જ કરી છે જેમણે બીજા સખત મોજાની સચોટ આગાહી કરી હતી. આઇઆઇટી હૈદરાબાદ અને આઇઆઇટી કાનપુરના નિષ્ણાતો અનુક્રમે મથુકુમાલી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલે એક ગાણિતીક મોડેલના આધારે આગાહી કરી છે કે કોવિડ-૧૯નું નવું પરંતુ બીજા મોજા કરતા નાનુ મોજું આ મહિને શરૂ થઇ શકે છે. તેમણે અંદાજ બાંધ્યો છે કે આ મોજામાં સારામાં સારા સંજોગોમાં દરરોજના એક લાખ કરતા ઓછા કેસો નીકળી શકે છે જ્યારે સૌથી ખરાબ સંજોગોમાં દરરોજના લગભગ ૧પ૦૦૦૦ કેસો નીકળી શકે છે. સોથી હાઇ કોવિડ રેટ ધરાવતા રાજ્યો જેવા કે કેરળ અને મહારાષ્ટ્ર ચિત્ર બદલી શકે છે એમ વિદ્યાસાગરે જણાવ્યું હતું.

આ ત્રીજું મોજું બીજા મોજા કરતા કેસોની બાબતમાં ઘણુ નાનુ હોઇ શકે છે. બીજા મોજામાં મે મહિનામાં દરરોજના ૪૦૦૦૦૦ કરતા વધુ કેસો નીકળતા હતા જેની સામે આ મોજામાં દરરોજના વધુમાં વધુ દોઢ લાખ કેસો કદાચ નીકળી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ત્રીજા મોજાની ટોચ ઓકટોબરમાં આવી શકે છે અને તેમાં ખરાબ સંજોગોમાં દરરોજના દોઢ લાખ જેટલા કેસો નીકળી શકે છે. દેશમાં રસીકરણ હજી પણ એકંદરે ધીમુ છે ત્યારે લોકો કોવિડને લગતા નિયમો પાળવાની બાબતમાં બેદરકારી દાખવી રહ્યા છે તે બાબતે આ નિષ્ણાતોએ ચિંતા વ્યકત કરી છે. હવે દેશમાં તહેવારોની ઋતુ નજીક આવી રહી છે તે બાબત પણ રોગચાળાના સંદર્ભમાં ચિંતા કરાવે તેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *