યુપીની જેમ ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણ કાયદાની વિચારણા

ઉત્તર પ્રદેશ સરકારે વસ્તી નિયંત્રણ માટે ખરડો રજૂ કર્યો છે. જેમાં ખાસ કરીને સબસિડી , નોકરી , બઢતી અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવાથી વંચિત રાખવા સહિતની જોગવાઈઓ વિચારાઈ રહી છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ સરકાર વસ્તી નિયંત્રણ માટે કાયદો ( વિધેયક ) લાવવા વિચારણા કરી રહી છે. જો કે આં અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજય સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે. ગુજરાતમાં તો સરકારે ઘણા વર્ષોથી આ બાબતે વિચારણા કરી રહી છે. જેના પગલે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ બે બાળકોથી વધુ બાળકો હોય તો તે ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં , તેવી જોગવાઈ કરાઈ છે.

પટેલે કહ્યું હતું કે વસ્તી નિયંત્રણ બાબતે ઉત્તર પ્રદેશના કાયદાનો સરકાર અભ્યાસ કરશે એટલું જ નહીં તે મુદ્દે જરૂરિ લાગશે તો વિધેયક પણ લાવવામાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મંદી, મોંઘવારી અને મહામારી વચ્ચે ધ્યાન ભટકાવવા માટે વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની વાત કરે છે. દેશની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. ભારત વસ્તી નિયંત્રણ પર વર્ષોથી કામ કરે છે, વિવિધ ભાષા અને રહેણીકરણી હોવા છતાંય દેશ પ્રગતિના પંથે રહ્યો છે. યુપીની ચૂંટણી આવી એટલે ધર્મના નામે ભાજપા ગતકડાં કરી રહી છે. શિક્ષણ અને આરોગ્ય સેવા પડી ભાંગી છે, એવામાં ભાજપા નાટક કરવાનું બંધ કરે. ગુજરાત વિધાનસભામાં આ વિષય આવશે ત્યારે કોંગ્રેસ તેનો અભ્યાસ કરીને નિર્ણય કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં લવ જેહાદનો કાયદો લાગુ થયા પછી ગુજરાતમાં પણ એ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

હવે જ્યારે ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ ખરડો આવી ગયો છે જો કે આ માત્ર ખરડો જ છે પરંતુ તે અંગે ગુજરાતમાં વિચારણા ચાલી રહી હોવાનું ખુદ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. ઉત્તર પ્રદેશમાં આ ખરડાનો ડ્રાફ્ટ તૈયાર થયા પછી બિહારના નિતિશ કુમારે તેનો આડકતરી રીતે વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ વસ્તીને નિયંત્રણમાં રાખવીએ ખૂબ જ જરૂરી હોવાથી આગામી દિવસોમાં ગુજરાતમાં પણ આ કાયદો લાગુ પડી શકે તેમ છે. ઉપ મુખ્યમંત્રી ભલે એવુ કહી રહ્યાં છે કે આ અંગે હજી સુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ, તેમણે આ કાયદો નહીં જ બને તેવી વાત પણ કહી નથી એટલે સરકાર આ દિશામાં વિચારણા કરી રહી હોવાની વાતમાં તથ્ય હોય તેમ હાલના તબક્કે તો લાગી રહ્યું છે. જો ગુજરાતમાં આ કાયદો લાગુ પડી જાય તો બેથી વધુ બાળકો ધરાવતાં સરકારી કર્મચારીઓને નોકરીમાં તેમજ પ્રમોશનમાં તકલીફ પડી શકે તેમ છે. જો કે ગુજરાતમાં જે વિચારણા ચાલી રહી છે તે ઉત્તર પ્રદેશ જેવી જ છે કે પછી અન્ય કોઇ જોગવાઇ આવશે તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *