બેંકોના ધિરાણના કારણે સુરતના હીરા ઉદ્યોગની ચમક વધી

કોરોનાને લીધે અત્યાર સુધી પરેશાન જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે સારા સમાચાર છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રયાસોને લીધે બેંકો દ્વારા ફરીથી આ સેક્ટરમાં ધિરાણ આપવાનું શરૂ કરાયું છે. હાલમાં જ જારી થયેલા એક આંકડા મુજબ બેંકો દ્વારા ચાલુ વર્ષે માર્ચ મહીનામાં 627 અબજ રૂપિયાનું ધિરાણ કરવામા આવ્યુ હતુ. જે જુલાઇ 2020 કરતા 15 ટકા વધારે છે. જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે આ સંદર્ભે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર-20માં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર દ્વારા 2.51 બિલિયન અમેરિકન ડોલરની નિકાસ કરવામાં આવી હતી. જે માર્ચ-21માં વઘીને 3.42 બિલિયન અમેરિકન ડોલર પર પહોંચી હતી. જે 36 ટકા વધારે છે. હાલ અમેરિકા અને યુરોપના દેશોમાં કટ અને પોલિશ્ડ હીરાની સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. ખાસ કરીને અમેરિકા અને ચીનમાં મોટાપાયે ડિમાન્ડ જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2021ના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં આખા વર્ષ દરમિયાન કરવામાં આવેલા નિકાસ પૈકી 75 ટકા જ્વેલરીની નિકાસ કરવામાં આવી હતી. શાહે જણાવ્યું હતું કે કોરોનાકાળમા જ્યારે હીરા ઉદ્યોગની હાલત ખરાબ છે ત્યારે બેંકો દ્વારા લેવામાં આવેલા સકારાત્મક નિર્ણયને લીધે ઉદ્યોગકારોને રાહત થશે. જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલી અગ્રણી સંસ્થાઓ દ્વારા નાણાકીય વર્ષ 2021માં રફ હીરા ઇમ્પોર્ટ કરવા પર પ્રતિબંધની માંગણી કરવામાં આવી હતી. જેને લીઘે ફેબ્રુઆરી 20માં ભારતમાં રફ હીરાની આયાતમાં 1 મિલિયન અમેરિકન ડોલરનો ઘટાડો થયો હતો. જેને લીધે સ્થાનિક ઉદ્યોગકારોને મોટી રાહત મળી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વ્યાજ સમાનતા યોજનાની મુદ્દતમાં વધારો કરવા એમએસએમઇની વ્યાખ્યા બદલવા, લોન રિસ્ટ્રક્ચરિંગ સહિતના મુદ્દાઓમાં સરકારે રાહતો જાહેર કરતા ઉદ્યોગને ફરી બેઠો કરવા સહાયતા મળી છે. 2021ના વર્ષનો પ્રારંભ હીરા ઉદ્યોગ માટે સારો રહ્યો છે. 10 ટકા લોઅર ઇન્વેન્ટરીને લીધે માર્કેટને સ્થિરતા મળી છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જે માલનો ભરાવો હતો, તે કોરોનાની બીજી લહેરમાં લોકડાઉનને લીધે જમા થયો હતો. તે હવે નીકળી ગયો છે.એટલે કે ઇન્ડસ્ટ્રીમાં હવે ઓવરસ્ટોકનો પ્રશ્ન રહ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *