સુરતમાં દશામા અને ગણેશ વિસર્જન માટે મુશ્કેલી વધી

શહેરમાં માંડ માડં કોરોનાનું સંમક્રમણ કાબૂમાં આવ્યું છે. પરંતુ હવે આવી રહેલા તહેવારોમાં ભીડ ભેગી થવાની શક્યતા જોતાં સંક્રમણ ઉથલો મારે તેવી આશંકા સેવાઇ રહી છે. ત્યારે હાલમાં દશામાના વ્રતની શરૂઆત થઇ ચૂકી છે અને 9 દિવસ પછી વિસર્જન કરવાનું થશે. આમ છતાં મનપા દ્વારા હજુ વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવા અંગે કોઇ નિર્ણય નહીં લેતાં અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે. જો મનપા કૃત્રિમ તળાવો બનાવી વિસર્જનની વ્યવસ્થા કરે તો પણ ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાનો ભય હોય ખુદ મનપા જ સંક્રમણને વધારવા આમંત્રણ આપતી હોય તેવો ઘાટ થશે. આમ, સુરત મનપાની સ્થિતિ આ મુદ્દે સુડી વચ્ચે સોપારી જેવી થઇ જવા પામી છે. દરમિયાન મનપા કમિશર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કોઇ પણ સ્થિતિમાં નદીમાં તો કોઇપણ પ્રકારની પ્રતિમાના વિસર્જનને થવા દેવાશે નથી. તેમજ દશામાં અને ગણપતિનું વિસર્જન ઘરઆંગણે થાય તેવી જાગૃતિ લાવવા માટે લોકોને અપીલ કરવામાં આવશે. જ્યારે કૃત્રિમ તળાવો બાબતે એકાદ દિવસમાં નિર્ણય લેવાશે. શ્રદ્ધાને જાણે કોઇ મોંઘવારી નડતી ન હોય તેમ ગઇકાલે સુરતમાં એકજ દિવસમાં 1.50 લાખ જેટલી નાની-મોટી દશામાની મૂર્તિઓનું વેચાણ થતા વિક્રેતાઓ અને મૂર્તિકારો અચંબામાં પડ્યા હતાં.

ગઇ કાલે દશામાની મૂર્તિ સ્થાપનાના દિવસે શ્રદ્ધાનું ઘોડાપુર એવુ ઊમટ્યુ કે ગયા વર્ષે કોરોનાને કારણે નહીં વેચાયેલી દશામાની મૂર્તિઓ પણ વેચાઇ ગઇ હતી. એકથી ચાર ફુટની માટીની શણગારેલી પ્રતિમાઓનું ધૂમ વેચાણ થયુ હતું. અમરોલીમાં મોટાપાયે પ્રતિમાનું વેચાણ કરનાર પ્રકાશ ઠક્કરે જણાવ્યું હતું કે અમરોલી-કોસાડ સહિતના નજીકના વિસ્તારોમાં 12000થી 15000 મૂર્તીઓનું વેચાણ થયુ છે. ગયા વર્ષે કોરોના પીક પર હોવાથી અમે 1200 મૂર્તિઓ વેચાણ માટે તૈયાર કરાવી હતી. તે પૈકીની 400 જેટલી મૂર્તિઓ વેચાયા વિનાની રહી હતી. જોકે તેને નવો કલાત્મક ઓપ આપી ફરી વેચાણ માટે મુકતા ચાલુ વર્ષની અને ગયા વર્ષની બંને પ્રતિમાઓ વેચાઇ ગઇ હતી. એકથી ત્રણ ફૂટની પ્રતિમાઓનું વેચાણ સારૂ રહ્યુ હતું. સાથે સાથે ચાલુ વર્ષે પુજાપાની સામગ્રીઓનું વેચાણ પણ સારૂ રહ્યુ હતું. નવસારી બજારના વિક્રેતા જયેશ બોધાનવાલાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દશામાની મૂર્તિનું વેચાણ કરતા સારૂ રહ્યું હતું.

અમારે ત્યાં શનિવારે સવારે 11 વાગ્યા સુધી માટીની તમામ પ્રતિમાઓ વેચાઇ ગઇ હતી. એકથી ચાર ફુટની માટીની પ્રતિમાઓ ચાલુ વર્ષે બનાવવામા આવી છે. અમરોલી, ભાગળ, ઉતરાણ, ભાઠેના,નવસારી બજાર રિંગરોડ અને લાલદરવાજા ખાતે બંગાળી મૂર્તીકારોએ ખુબ સારી શણગારેલી પ્રતિમાઓ બનાવી હતી, જેનું એડવાન્સમાં બુકિંગ થયું હતું. એકથી દોઢ ફૂટની પ્રતિમા કલાત્મક નમુના પ્રમાણે 400થી 2000 રૂપિયામાં વેચાઇ હતી. જ્યારે ચાર ફુટ સુધીની પ્રતિમાની કિમત 10000થી 15000 રૂપિયા નંગદીઠ રહી હતી. માતાના ભક્તો કહે છે કે લોકોનો ચાલુ વર્ષે ઉત્સાહ સારો રહ્યો હતો. અમરોલી, ઉત્રાણ વિસ્તારની પ્રતિમાનું વિસર્જન દસમા દિવસે તેજ વિસ્તારમાં કરવામાં આવશે, જ્યારે તળ સુરતના વિસ્તારમાં નાવડી ઓવારે, ડક્કા ઓવારે અને રાજા ઓવારા ખાતે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *