પીડીપી અને એએનસીને બાદ કરતા કાશ્મીરના તમામ પ્રમુખ રાજકીય પક્ષો મુલાકાતી સીમાંકન પંચને મળશે. તેઓ મંગળવારે અહી પહોંચીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં નવા મતદાન ક્ષેત્રોના નિર્માણ માટે પ્રત્યક્ષ જાણકારી એકત્રિત કરશે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ અને અવામી નેશનલ કોન્ફરન્સ (એએનસી)ની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પીપલ્સ અલાયન્સ ફોર ગુપ્કર ડિક્લેરેશન (પીએજીડી)ના ઘટકો છે. પીડીપીએ સીમાંકન પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમજ આક્ષેપ કર્યો હતો કે, બોડીમાં બંધારણીય અને કાયદાકીય આદેશનો અભાવ છે અને તે જમ્મુ-કાશ્મીરના લોકોની રાજકીય વિતરણની પ્રક્રિયાનો એક ભાગ છે.
પેનલની અધ્યક્ષતા કરનાર નિવૃત્ત સુપ્રીમ કૉર્ટના ન્યાયાધીશ રંજના દેસાઈને લખેલા બે પાનાના પત્રમાં પાર્ટીના મહામંત્રી ગુલામ નબી લોન હંજુરાએ કહ્યું હતું કે, પીડીપીએ આ પ્રક્રિયાથી દૂર રહેવાનો અને અમુક કવાયતમાં ભાગ નહીં લેવાનું નક્કી કર્યું છે. જે પરિણામ પૂર્વ-આયોજિત હોવાનું માનવામાં આવે છે અને જેનાથી અમારા લોકોના હિતોને વધુ નુકસાન પહોંચી શકે છે. કમિશનને લખેલા પત્રમાં એએનસીએ માહિતી આપી હતી કે, તે કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. કારણ કે, કમિશનની સ્થાપનાને સુપ્રીમ કૉર્ટ સમક્ષ પડકારવામાં આવી છે. એએનસીના જનરલ સેક્રેટરી મીર મોહમ્મદ શફીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કૉર્ટના કામકાજમાં દખલ કરવી યોગ્ય રહેશે નહીં. જો કે, અન્ય પક્ષોએ મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળ સાથે મળવાનું નક્કી કર્યું છે અને તેમના પ્રતિનિધિઓને નામાંકિત કર્યા છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે, નેશનલ કોન્ફરન્સે (એનસી) પંચને મળવા અને પોતાના સૂચનો રજૂ કરવા પાંચ સભ્યના પ્રતિનિધિ મંડળને નામાંકિત કર્યું છે.
પાર્ટીએ કમિશનને મળવા માટે અબ્દુલ રહીમ રાથર, મોહમ્મદ શફી ઉરી, મિયાં અલ્તાફ અહમદ, નાસિર અસલમ વાની અને સકીના ઇટુને નામાંકિત કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ મંડળમાં છ સભ્યોનો સમાવેશ છે અને તેમાં જમ્મુ-કાશ્મીર યુનિટના પ્રમુખ જી એ મીર, પીરઝાદા મોહમ્મદ સૈયદ, તાજ મોહિઉદ્દીન, બશીર અહમદ મેગ્રે, સુરિન્દર સિંહ ચન્ની અને વિનોદ કૉલ શામેલ છે. અન્ય પક્ષો કે જે કમિશનને મળવા જઇ રહ્યા છે તેમાં બહુજન સમાજ પાર્ટી, જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા અને કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-માર્ક્સવાદીનો સમાવેશ થાય છે.