ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,36,78,786 થઈ ગઈ છે. જ્યારે, સક્રિય કેસ ઘટીને 2,99,620 થઈ ગયા છે. જે છેલ્લા 191 દિવસમાં સૌથી ઓછા છે. એમ આરોગ્ય મંત્રાલયે સોમવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 276 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,47,194 પર પહોંચી ગયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસો કુલ કેસનો 0.89 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.78 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 3,856 કેસોનો ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં સતત 92 દિવસથી દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.24 ટકા નોંધાયો છે. જે છેલ્લા 28 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 1.94 ટકા નોંધાયો છે. જે છેલ્લા 94 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે.
