રાજ્યમાં આગામી 11 મી જુલાઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ સરકીને આવનારી સિસ્ટમના પગલે ફરીથી ચોમાસુ સક્રિય થઈ શકે છે. રાહત કમિશનર આન્દ્રા અગ્રવાલની અધ્યક્ષતામાં મંગળવારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ ખાતે હવામાન વિભાગના મનોરમા મોહંતી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 11મી જુલાઈ બાદ વરસાદની સંભાવના રહેલી છે. ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 14.64 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 12.91 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 15.11 ટકા, સૌરાષ્ટ્રમાં 12.17 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 16.31 ટકા વરસાદ થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમના જળાશયમાં 1,39,772 એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 41.84 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાં 2,05,440 એમસીએફટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના 36.86 ટકા થવા જાય છે. આ ઉપરાંત વિરામ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ફરી શરૂઆતની આગાહી મુજબ, પશ્ચિમ કિનારે વરસાદની તીવ્રતા 9 જુલાઈથી વધવાની સંભાવના છે. એમ ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું. 9 જુલાઈ સુધી ઈશાન ભારતમાં વરસાદની તીવ્રતા ઓછી રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, અરબી સમુદ્ર ઉપર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મજબૂત થવાના કારણે 9મી જુલાઈથી પશ્ચિમના દરિયાકાંઠે વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે. તે અનુસાર, 9મી જુલાઇથી કોંકણ અને ગોવા, દરિયાકાંઠાનું કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
તેમણે ઉમેર્યું હતું કે, 8મી જુલાઈથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ફરી શરૂઆતના કારણે 9 જુલાઈથી પૂર્વોત્તર ભારત (અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા)માં વરસાદની તીવ્રતા અને વિતરણમાં ઘટાડો થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાંથી નીચલા સ્તરે ભેજવાળા પવનનો 8મી જુલાઇથી પૂર્વીય ભારતના ભાગો તરફ ધીરે ધીરે જવાની સંભાવના છે. ત્યારે, 10 જુલાઇ સુધીમાં ચોમાસુ પશ્ચિમ ભારતમાં ફેલાશે અને પંજાબ અને ઉત્તર હરિયાણાને આવરી લે તેવી સંભાવના છે. તદનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક ભાગોમાં 10 જુલાઇની આસપાસ આગળ વધે તેવી સંભાવના છે. ઉત્તર ભારતના ભાગોમાં પહોંચ્યા પછી ચોમાસાએ વિરામ લીધા બાદ આગળ વધ્યું નથી. ચોમાસાએ પશ્ચિમ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબના ભાગોને આવરી લેવાનું બાકી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, 8મી જુલાઈથી ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 9 જુલાઈથી અને પૂર્વ રાજસ્થાનમાં 10 જુલાઇથી કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.