આગામી 12મી જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે ઓડિશા સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે પણ ભક્તોને રથયાત્રામાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રથયાત્રા કોરોના ગાઇડલાઇનના કડક પાલન સાથે માત્ર પુરીમાં જ રથયાત્રા યોજાશે. સ્પેશિયલ રિલીફ કમિશનર (એસઆરસી) પી કે જેનાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે જાહેર કરવામાં આવેલી સુપ્રીમ કૉર્ટની તમામ માર્ગદર્શિકાનું આ પ્રસંગે પાલન કરવું પડશે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા પુરીમાં ભક્તો વિના યોજાશે. વહીવટીતંત્રે રાજ્યના અન્ય ભાગોમાં પણ આ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે.
એસઆરસીએ જણાવ્યું હતું કે, માત્ર પસંદ કરેલા કોરોના નેગેટિવ અને રસી લીધેલા સેવકોને ‘સ્નાન પૂર્ણિમા’ સ્નાન કરવાની વિધિ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.તેમણે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવિત્ર નગર પર કરફ્યુ લગાવવામાં આવશે. તેમજ ગયા વર્ષ લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો અમલમાં રહેશે.શ્રદ્ધાળુઓ ટેલિવિઝન અને વેબકાસ્ટ્સ પરથી કાર્યક્રમને લાઈવ નિહાળી શકશે તે નોંધીને અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, નવ દિવસીય આ ઉત્સવ તેના સમયપત્રક પ્રમાણે શરૂ થશે અને લગભગ 500 જેટલા સેવકોને રથ ખેંચવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, તહેવાર દરમ્યાન માત્ર આવશ્યક અને કટોકટીની સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. જ્યારે, પુરી તરફ જવા અને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, રથ બનાવવા માટેનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને કોઈ અવરોધ ન આવે તેની ખાતરી કરવા પગલાં લેવામાં આવ્યા છે.