વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી ઉપપ્રમુખ કમલા હેરિસને તેમના દાદા, કે જેઓ એક સરકારી અધિકારી હતા, તેમને લગતા જૂના જાહેરનામાઓની એક નકલ, એક લાકડાની હાથે બનાવેલી ફ્રેમ અને મીનાકારીવાળી શતરંજના સેટની ભેટ તેમની પ્રથમ રૂબરૂ મુલાકાત દરમ્યાન આપી હતી એમ સરકારી સૂત્રોએ આજે જણાવ્યું હતું. ગઇકાલે વ્હાઇટ હાઉસ ખાતે જયારે વડાપ્રધાન મોદી ઉપપ્રમુખ કમલા હેરિસને મળ્યા ત્યારે તેમણે ભારત અને અમેરિકાને એક કુદરતી ભાગીદાર ગણાવ્યા હતા, જે દરમ્યાન તેમણે ભારત-અમેરિકાની વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરી હતી અને સામાન્ય હિતોના વેશ્વિક મુદ્દાઓની ચર્ચા કરી હતી, જેમાં લોકશાહી સામેના ખતરાઓ અને ઇન્ડો-પેસેફિક મુદ્દાનો સમાવેશ થતો હતો.
આ દ્વિપક્ષી મંત્રણા ઘણી સફળ રહી હતી એમ જણાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાને અમેરિકન ઉપપ્રમુખને ઘણી ખાસ ભેટો આપી હતી. એક ઘણી લાગણીસભર શુભચેષ્ટામાં વડાપ્રધાને કમલા હેરિસને શ્રી પી.વી. ગોપાલન અંગેના જૂના જાહેરનામાઓની એક નકલ લાકડાની હાથબનાવટની ફ્રેમમાં ભેટ આપી હતી. પી.વી. ગોપાલન એક વરિષ્ઠ અને સન્માનીય સરકારી અધિકારી હતા જેમણે વિવિધ હોદ્દાઓ પર કામગીરી કરી હતી. એમ એક સરકારી સૂત્રે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ગુલાબી મીનાકારી વાળો ચેસ સેટ પણ ભેટ આપ્યો હતો. ગુલાબી મીનાકારી એ વારાણસી સાથે સંકળાયેલી છે જે દુનિયાના સૌથી જૂના શહેરોમાંનું એક છે અને વડાપ્રધાન મોદીનો મત વિસ્તાર છે.
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસનને મોદીએ રૂપેરી ગુલાબી મીનાકારી જહાજ તથા જાપાનીઝ વડાપ્રધાન યોશીહિદે સુગાને સુખડની બુદ્ધ મૂર્તિની ભેટ આપી હતી.