ભારતના મોસ્ટ વોન્ટેડ પૈકીનો એક અને પંજાબ નેશનલ બેંકમાં 1300 કરોડ ઉપરાંતનો ગોટાળો કરનાર હીરા વેપારી મેહુલ ચોક્સીના વકીલે હવે નવો દાવ ફેંક્યો છે. તેણે એવો આક્ષેપ કર્યો છે કે, મેહુલ ચોક્સીનું અપહરણ ભારતીય ગુપ્તચર સંસ્થા દ્વારા જ કરાવવામાં આવ્યું હતું. જો કે, તેના આ આક્ષેપ અંગેના કોઇ પૂરાવા તેના દ્વારા રજૂ કરવામાં આવ્યા નથી. તેણે એવું પણ કહ્યું હતું કે, મેહુલ ચોક્સી ભારત આવે તો તેને રાજકારણીઓથી મોટો ખતરો છે. અગાઉ મેહુલ ચોક્સીએ એવો દાવો કર્યો હતો કે, તે ભાગેડૂ નથી તે સારવાર માટે વિદેશ આવ્યો છે. આ પહેલા ભારતે ડોમિનિકા હાઇકોર્ટનો સંપર્ક સાધ્યો છે અને જેના જામીન પાંચ કલાકની સુનાવણી પછી હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા તે ભાગેડૂ વ્યાપારી મેહુલ ચોકસીના વકીલો દ્વારા કરવામાં આવેલ કેસમાં પોતાને પણ પક્ષકાર તરીકે રજૂઆત કરવા દેવાની માગણી કરી છે. સીબીઆઇ અને ભારતીય વિદેશ મંત્રાલયે હેબિયસ કોર્પ્સ મેટરમાં પોતાને રજૂઆત કરવા દેવાની માગણી કરી છે, આ માટે તેમણે ડોમિનિકા હાઇકોર્ટમાં બે સોગંદનામાઓ કર્યા છે. જો આ સોગંદનામાઓ હાઇકોર્ટ સ્વીકારશે તો વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશ સાલ્વે માટે ભારત સરકાર તરફથી રજૂઆત કરવાનો માર્ગ મોકળો થશે. ભારતની સીબીઆઇ ડોમિનિકન અદાલતમાં મેહુલ ચોકસીના અપરાધો, તેનો ભાગેડૂ દરજ્જો, તેની સામેની રેડ કોર્નર નોટિસ વગેરે બાબતે રજૂઆત કરશે એમ માનવામાં આવે છે. દરમ્યાન, ડોમિનિકા હાઈકૉર્ટે પડોશી દેશ એન્ટિગુઆ અને બરબુડાથી રહસ્યમય રીતે ગુમ થયા બાદ દ્વીપ દેશમાં ગેરકાયદેસર પ્રવેશના કેસમાં ભાગેડુ હીરાના વ્યાપારી મેહુલ ચોક્સીના જામીન નામંજૂર કર્યા છે. મેહુલ ચોક્સી વર્ષ 2018થી એન્ટિગુઆ અને બરબુડામાં નાગરિક તરીકે રહે છે.ન્યૂઝ આઉટલેટ એન્ટિગ્યુ ન્યૂઝરૂમ કહ્યું કે, હાઈકૉર્ટે શુક્રવારે (સ્થાનિક સમય) નિર્ણય જાહેર કરતા કહ્યું કે, ચોકસી એક ‘ફ્લાઇટ રિસ્ક’ છે. તેમનો ડોમિનિકા સાથે સંબંધો ન હતા. ઇન્ટરપોલ રેડ નોટિસ ધરાવતો 62 વર્ષિય હીરાના વેપારી મેહુલ ચોક્સી 23 મેના રોજ એન્ટીગુઆ અને બરબુડાથી રહસ્યમય રીતે ગુમ થયો હતો. જ્યાં તે ભારતથી ભાગીને વર્ષ 2018થી નાગરિક તરીકે રહે છે. ચોક્સીના વકીલોએ તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી અને આરોપ લગાવ્યો હતો કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, ટોર્ચર કરવામાં આવ્યા અને એક નાગરિકના રૂપે એન્ટિગુઆ અને બરબુડામાં ઉપલબ્ધ અધિકારોથી વંચિત રાખવા ડોમિનીકા ઑથોરિટીને સોંપવામાં આવ્યા હતા.
