કોરોના રસીકરણ ઝુંબેશમાં આદિવાસી વિસ્તાર ધરાવતો ખેરગામ તાલુકો કે જ્યાં ભ્રામક માન્યતા વચ્ચે અનેક લોકો રસી મુકાવવા આવતા ન હતા,ભ્રમિત થયેલા લોકોને પણ આરોગ્ય કર્મચારીઓ, તબીબી અધિકારીઓ,રાજકીય આગેવાનોએ ઝુંબેશને વેગવંતી બનાવી રસીકરણનો જથ્થો બમણાથી વધુ પ્રમાણમાં મળતાં આરોગ્ય કર્મીઓની અથાક મહેનતના લીધે ખેરગામ તાલુકાએ રસીકરણના પ્રથમ ડૉઝ માટે સો પ્રતિશત સિદ્ધિ પ્રાપ્ત કરી નવસારી જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં વિક્રમ કરનાર પ્રથમ તાલુકો બન્યો છે.ખેરગામ તાલુકાના 45થી વધુ વયના 14229, 60થી ઉપરના 8496 અને 18 થી 44 વયના 28476 મળી 22 ગામોમાંથી 51221 જેટલી વ્યક્તિઓને કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપી ખેરગામ તાલુકો દક્ષિણ ગુજરાતમાં પ્રથમ ક્રમે બિરાજે છે.
જિ.પં.પ્રમુખ ભીખુભાઈ આહિર અને લાયઝન ઓફિસર ડૉ. પરેશ જોષી એ તમામ મેડિકલ ઓફિસર, આરોગ્ય કર્મચારીઓ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભરતભાઈ પટેલને અનેરી વિક્રમી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા હતા. જેના માટે સાદગીભર્યા કાર્યક્રમમાં સૌ કોઈ પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓનું પુષ્પગુચ્છથી સન્માન કરી મોં મીઠું કરાવ્યું હતું. સો ટકા સિધ્ધિ મેળવવાનો જશ મારી ખેરગામ તાલુકાની આરોગ્ય ટીમને અને ત્રણેય પીએચસી,સીએચસીના તબીબો કર્મચારીઓની ટીમના ફાળે જાય છે.આ ભગીરથ કાર્યમાં તાલુકાના આગેવાનોનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં એક જૂથ ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આગામી નવેમ્બર સુધીમાં બીજા ડોઝના રસીકરણનું હાલ ૫૦ ટકા કામ થયું છે,તે સો ટકા કરવા માટે અમારા કર્મીઓ તત્પર છે.