માછલાંના મોત બાદ બારડોલીની મિંઢોળાની મુલાકાત લેતા અધિકારી

બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં ગુરુવારે કેમિકલયુક્ત પાણી આવતા અસંખ્ય માછલાંનાં મોત થયાં હતાં. જે અંગે બારડોલી નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતાં જી.પી.સી.બી.ના અધિકારીઓ શુક્રવારે બારડોલી પહોંચ્યા હતા. જી.પી.સી.બી.ની ટીમે ત્રણ અલગ અલગ જગ્યાએથી પાણીનાં સેમ્પલ લઈ આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીમાં ઉપરવાસમાંથી છોડવામાં આવેલાં કેમિકલયુક્ત પાણીને કારણે ગુરુવારના રોજ અનેક માછલીનાં મોત થયાં હતાં. શુક્રવારે કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ ઓછો થયો હતો. ભારે વરસાદને કારણે ગંદું પાણી વહી ગયું હતું. સ્થાનિક તંત્ર દ્વારા જાણ કરવામાં આવતાં સુરતથી જી.પી.સી.બી.ના ત્રણ સભ્યની ટીમ શુક્રવારે બારડોલી પહોંચી હતી.

તેમણે બારડોલી નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી કિરણ ચૌધરી સાથે લો લેવલ બ્રિજ નજીક તેમજ અન્ય બે જગ્યાએથી પાણીના નમૂના લીધા હતા. આ નમૂનાનું લેબમાં તપાસ બાદ પાણીમાં કયું કેમિકલ ભર્યું છે તેની જાણકારી મળી શકશે. બીજા દિવસે પણ માછલાંના મરવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ત્યારે વહીવટી તંત્ર અને જી.પી.સી.બી. દ્વારા જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *