ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કેટલાંય બાળકોએ કોરોનાથી સંક્રમિત માતા-પિતા ગુમાવ્યાં છે. આ અનાથ બાળકો માટે રૂપાણી સરકાર મદદે આવી છે. માતાપિતાની છત્રછાયા ગુમાવનારાં અનાથ-નિરાધાર બાળકને દર મહિને રૂા. 4 હજાર સહાય કરવા સરકારે નિર્ણય કર્યો છે. કોરોનાને લીધે ગુજરાતમાં મૃત્યુઆંક ચિંતાજનક છે. જોકે, હવે થોડાક રાહતના સમાચાર એ છે કે, શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે અને રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ સંજોગોમાં કેટલાંય માસુમ બાળકો એવા છે જેમણે કોરોના સંક્રમણને લીધે માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. હવે આ બાળકોના ઉછેરનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ મુદ્દે રાજ્ય સરકારની કોર કમિટીએ વિચાર વિમર્શ કર્યો હતો. રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો હતો કે, કોરોનાની બિમારીમાં માતાપિતા ગુમાવનારાં અનાથ-નિરાધાર બાળકને દર મહિને રૂા. 4 હજારની સહાય કરવામાં આવશે. આ અનાથ બાળકને 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. સરકારની સહાયને પગલે અનાથ-નિરાધાર બાળકના ઉછેરમાં અવરોધ નહીં સર્જાય.
