કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાતમાં બન્યો એકશન પ્લાન

પહેલા તબક્કાના કોરોનામાંથી કોઇ જ શીખ રાજ્ય સરકારે લીધી ન હતી અને બીજી લહેર જાણે આવવાની જ નહીં હોય તે રીતે સરકારી અધિકારીઓ બિન્દાસ્ત થઇ ગયા હતા પરંતુ કોરોનાની બીજી લહેર પાર કરતાં સરકારને નવનેજા પાણી ઉતરી ગયા હતા, હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવિર ઇન્જેક્શન, સ્મશાનમાં ભઠ્ઠીઓ અને લાકડા જેવી સુવિધા ઊભી કરવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી હતી જેના કારણે હવે ત્રીજી લહેરમાં આવું કંઇ પણ નહીં બને તે માટે સરકાર અત્યારથી જ સજ્જ થઇ રહી છે અને ઓક્સિનજ, આઇસીયુ બેડ,દવા ઇન્જેકશન જેવી કોઇ વસ્તુઓની ઘટ નહીં પડે તે માટે તૈયારી કરી રહી છે. દરમિયાન સોમવારે ત્રીજી લહેર માટે સરકારે તેનો એકશન પ્લાન જાહેર કર્યો છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઇપણ નાગરિકને મુશ્કેલી નહીં પડે કે દર્દીઓના સગાઓને દોડધામ નહીં કરવી પડે તે માટે સરકારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ત્રીજી લહેરમાં આશરે 95,000થી પણ વધુ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ન કરે નારાયણ કે ત્રીજો તબક્કો આવે પરંતુ જો આવે તો જે પ્રકારની તકલીફનો સામનો બીજી લહેરમાં કરવો પડ્યો હતો તેવા પડકારોને પહોંચી વળવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને મેડિકલ અને પેરામેડિકલની સ્થિતિ ઉપર અત્યારથી જ સમીક્ષા કરવામાં આવી રહી છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને પણ કોઇ મુશકેલીનો સામનો નહીં કરવો પડે તે માટે ફિડબેક ઇન્ટેલિજન્સ પણ બનાવવામાં આવશે. ખાસ કરીને તબીબો, નર્સિંગસ્ટાફ અને અન્ય હેલ્થવર્કરની સંખ્યાની ગણતરી અત્યારથી જ કરવામાં આવી રહી છે. આઇસીયુના પણ આશરે 14500 જેટલા બેડ હતા તેની સંખ્યા પણ વધારીને 17000થી ઉપર લઇ જવાની ગણતરી રાજ્ય સરકાર કરી રહી છે. દરેક એમ્બ્યુલન્સ પણ સંપર્કમાં રહી શકે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. ધન્વંતરી રથની સંખ્યા પણ વધારવામાં આવશે જેના કારણે ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ સઘન બનશે આ ઉપરાંત દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સીટીસ્કેનની વ્યવસ્થા ઊભી કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલે કહ્યું હતું કે અત્યારે સંભવિત ત્રીજી લહેરમાં 14,700 જેટલા કોરોનાના પોઝિટિવ દર્દી નોંધાઇ તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તે પ્રકારે જ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *