ડાંગના બારદા ધોધમાં ડૂબી ગયેલા વકીલપુત્રનો મૃતદેહ મળ્યો

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચનખલ ગામ નજીકનાં બારદા ધોધમાં ડૂબી ગયેલા સરકારી વકીલનાં પુત્રની આખરે ભાળ મળી. આહવાનાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ગત તા.20-08-2021નાં રોજ બપોરે ચારેક વાગ્યે, ચનખલ ગામના અગ્રણી અને સરકારી વકીલ તરીકે સેવારત મહેશ પટેલનો યુવાન દીકરો મલય પટેલ (ઉ.વ. આશરે 20 વર્ષ) તેના કેટલાક મિત્રો સાથે બારદા ધોધ ખાતે ફરવા ગયો હતો. તે વેળા નહાતી વેળા આ યુવાનનો પગ લપસતા તે ઊંડા પાણીનાં કોતરમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો સહિત આહવા પોલીસની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં અધિકારીઓ અને પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતનાં અધિકારીઓએ તાબડતોબ ઘટના સ્થળે ધસી જઈ, ગુમસુદા યુવકની ભાળ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સ્થાનિક તરવૈયા સહિત આહવાનાં જનસેવા ગ્રુપના સ્વયંસેવકો, પોલીસનાં જવાનો, બીલીમોરા, સુરત, અને બારડોલીનાં લાશ્કરોની પણ આ શોધખોળમાં મદદ લેવાઈ હતી. બાદમાં ભારે જહેમતને બાદ ગત રાત્રે એટલે કે તા.21-08-2021નાં રાત્રીનાં 10:30 વાગ્યાથી 11 વાગ્યાનાં અરસામાં આ યુવકની લાશ કોતરડામાંથી મળી આવી હતી. ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ આ ઘટનાને ખૂબ જ કમનસીબ ગણાવી, સમગ્ર પ્રશાસનનું માર્ગદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *