સુરતના આ વેપારીએ સોમનાથ મંદિર માટે કર્યું 30 કરોડનું દાન

વડાપ્રધાન (PM) અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે યાત્રિકોને સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા ચાર પ્રકલ્પો સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, અને જૂના સોમનાથ મંદિર જીર્ણોધ્ધાર નવીનીકરણનું વર્ચ્યુઅલ સમારંભમાં લોકાર્પણ તેમજ શ્રી પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતોવડાપ્રધાન મોદીએ ભગવાન સોમનાથને નમન કરીને જણાવ્યું હતું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું પ્રાચીન ગૌરવ પુન:જીવીત કરવાની દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવી અને એ કાર્ય થયું હતું. સરદાર સાહેબ સોમનાથ(SOMNATH) મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા. મોદીએ આ પ્રસંગે લોકમાતા અહિલ્યા બાઈને યાદ કરીને તેઓએ ભગવાન વિશ્વનાથથી લઇ ભગવાન સોમનાથ સહિત કેટલાય મંદિરોના જીર્ણોધ્ધાર કરાવ્યા હતા તેમ કહી તેમના જીવનમાં રહેલા પ્રાચીનતા અને આઘુનિકતાના સંગમને આજે દેશ પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે તેમ ઉમેર્યું હતું.

મોદીએ શિવ અવિનાશી, અવ્યકત્ત, અનાદિ છે તેમ શ્રદ્ધાપૂર્વક જણાવી કહ્યું હતું કે, આ મંદિરને ઇતિહાસમાં ઘણીવાર તોડવામાં આવ્યું અને જેટલીવાર પડ્યું તેટલી વાર ફરી પુર્નજીવિત થઈ ગરિમા અને ગૌરવ સાથે ઊભું થયું. તોડવાનું- આતંકનું સામ્રાજ્ય ઉભું કરવાનો વિચાર થોડો સમય માટે હાવી થઇ શકે પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી હોતું નથી. સત્યને અસત્યથી તેમજ માનવતાના મુલ્યોને આતતાયી તાકાતોથી દબાવી શકાતા નથી. આપણી વિચારધારા ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની રહી છે અને નવા ભારતના નિર્માણ માટે અતીતને પણ જોડવાનો આપણો સંકલ્પ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે પશ્ચિમમાં સોમનાથ ,નાગેશ્વર, ઉત્તરમાં બાબા કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વર સુધી બાર જ્યોતિર્લિંગ પુરા ભારતને આપસમાં જોડવાનું કામ કરે છે. બાર જ્યોતિર્લિંગ ,ચાર ધામ તીર્થ સ્થળોની વ્યવસ્થા, શક્તિપીઠની સંકલ્પના આસ્થાની રૂપરેખા અને દેશના ખૂણે-ખૂણે રહેલા તીર્થ સ્થળો હકીકતમાં એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવના અભિવ્યક્ત કરે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRAMODI)એ દેશની સાંસ્કૃતિક વિરાસતોના સંદર્ભમાં જણાવ્યું હતું.

દરમિયાન આજે સુરતના એક હીરા(DIAMOND) વેપારીએ સોમનાથ ખાતે બની રહેલા પાર્વતી મંદિરના શિલાન્યાસ વખતે રૂપિયા 30 કરોડના દાનની જાહેરાત કરી છે. આ મંદિર બનાવવા પાછળ અંદાજીત રૂપિયા 21થી 30 કરોડનો ખર્ચ થાય તેમ છે તે તમામ ખર્ચ આ વેપારીએ ઉઠાવવાની જાહેરાત કરી છે. આ વેપારીનું નામ ભીખાભાઇ ધામેલિયા(BHIKHABHI DHAMELIA) છે અને તેઓ સુરતમાં સ્થાયી થયા છે. તેઓ સુરતમાં ત્રણ જેટલી હીરાની ફેક્ટરી ધરાવે છે અને આશરે સાડા ચાર હજારથી પણ વધારે કર્મચારી તેમના કારખાના અને ઓફિસમાં કાર્યરત છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના છે અને અમરેલીના સીમરણ ગામથી સુરતમાં સ્થાયી થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ દાનવીરના ભરપૂર વખાણ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *