માર્ક હેલિકોપ્ટર્સ ખરીદવા સેનાને મંત્રાલયની મંજૂરી

સંરક્ષણ મંત્રાલયે બુધવારે રૂ. 13,165 કરોડના સૈન્ય સાધનો ખરીદવાની મંજૂરી આપી હતી જેમાં દેશમાં બનાવેલા 25 એએલએચ માર્ક-3 હેલિકોપ્ટર પણ સામેલ છે જેથી ભારતીય સેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો થાય.આધુનિક હળવા હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિ. (એચએએલ) પાસેથી ખરીદવામાં આવશે જેનો ખર્ચ રૂ. 3850 કરોડ આવશે જ્યારે રોકેટ દારૂગોળાને જથ્થાની કિંમત રૂ. 4962 કરોડ થશે, એમ સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું. 6 દિવસ પહેલાં જ મંત્રાલયે વધુ એક મોટો સોદો કર્યો હતો જેમાં સેના માટે 118 મેઈન બેટલ ટેન્ક (એમબીટી) અર્જુન ખરીદાશે જેની કિંમત રૂ. 7523 કરોડ થશે. દેશમાં ડિઝાઈન કરેલા અને વિકસિત કરેલા એેએલએચ માર્ક-3 ટ્વીન-એન્જીન, મલ્ટી રોલ, મલ્ટી મિશન નવી જનરેશનના હેલિકોપ્ટર છે જેનું વજન વર્ગ 5.5 ટન છે. ડિફેન્સ એક્વીઝિશન કાઉન્સીલ (ડીએસી)ની બેઠકમાં આ સૈન્ય સાધનોને ખરીદવાની મંજૂરી અપાઈ હતી, બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કરી હતી.

કુલ સૈન્ય સાધનોમાંથી રૂ. 11486 કરોડના સાધનો (87 ટકા) ઘરેલુ કંપનીઓ પાસે ખરીદાશે, એમ મંત્રાલયે કહ્યું હતું. ડીએસી દ્વારા મંજૂર કરાયેલી દરખાસ્તોમાં ગાઈડેડ હથિયારો ખરીદવાની દરખાસ્ત પણ સામેલ છે. ડીએસી ખરીદી કરવા માટે સંરક્ષણ મંત્રાલયની ટોચની નિર્ણય લેતી સંસ્થા છે.મંત્રાલયે કહ્યું હતું, દારૂગોળા અને શસ્ત્રોને દેશમાં જ બનાવવા અને વિકસિત કરવાને પ્રોત્સાહન આપવા ડીએસીએ ઘરેલુ સ્ત્રોતો પાસે ટર્મીનલી ગાઈડેડ મ્યુન્ટીશન (ટીજીએમ) એચઈપીએફ-આરએચઈ રોકેટ દારૂગોળો ખરીદવાને મંજૂરી આપી હતી જેની કિંમત રૂ. 4962 કરોડ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *