સુરત ક્રાઈમ બ્રાંચે શહેરમાં ગુનાઓના આરોપીઓને એક પછી એક દબોચી લેવાનું શરૂ કર્યું છે. ત્યારે કુખ્યાત ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલને હિમાચલ પ્રદેશના કુલ્લુથી ઝડપી પાડ્યો હતો. સુરત શહેરમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ સાથે આતંક મચાવનાર કુખ્યાત ગાજીપરા ગેંગનો મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલ હિમાચલ પ્રદેશથી ઝડપાઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલા પુલગા ગામ પાર્વતી વેલી ખાતે આરોપી અલ્તાફ ગફુરભાઇ પટેલ (રહે., ખારવા ચાલ, હનુમાન મંદિરની બાજુમાં, લંબે હનુમાન રોડ, વરાછા તથા મૂળ ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ગાજીપરા સહિત કુલ સાત આરોપીને અગાઉ ઝડપી પાડ્યા હતા. ગેંગનો મુખ્ય આરોપી અલ્તાફ પટેલ સહિત ત્રણ નાસતા ફરતા હતા. હિમાચલ પ્રદેશમાં સામાન્ય રીતે હોટેલોમાં આઈડી પ્રૂફ વગર રહેવું, અન્ય રાજ્યો કરતા સરળ હોવાથી તે સંપર્કથી બહાર ત્યાં રહેતો હતો. કોર્ટે પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે.
