પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતા ખેરગામના આછવણી ખાતે સવા લાખ બિલીપત્રનો મહાઅભિષે કરાયો હતો. પ્રગટ પ્રગટેશ્વરધામના ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં શરૂ થયેલા શ્રાવણ માસના શુભારંભ અવસરે લઘુરુદ્ર યજ્ઞ પણ કરાયો હતો. દાદાએ આશીર્વચન આપતા કહ્યું કે, શિવ શબ્દ જ કલ્યાણકારી છે, ઝેર પીને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા ભગવાન શિવની પૂજા કરી તેના આશીર્વાદ મેળવવા શ્રાવણ માસનું અતિ મહત્વ છે. બિલીપત્રના ત્રણ પાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવ સમાયેલા છે. બીલીપત્રના ઝાડ નીચે વિશ્વના તમામ તીર્થ સમાયેલા છે, જેથી ત્યાં પૂજા અર્ચન કરવાથી સમગ્ર તીર્થનું પુણ્ય મળે છે. પ્રભુ ભકિત કરવાની સાથે દુર્ગુણો અને કુટેવો છોડી દેશો તો શિવની પ્રાપ્તિ થઈ શકશે. જીવનના સંપૂર્ણ કલ્યાણ માટે મા-બાપની સેવા કરવી તેમની દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ખેરગામ તાલુકાના નાંધઇના ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ, વેદાશ્રમ ખાતે આવેલા અખિલેશ્વર મહાદેવ મંદિરે પણ રુદ્રાભિષેક સામુહિક પૂજા કરવામાં આવી હતી.
