બારડોલી તાજપોર રોડ પરથી બાયો ડિઝલ ઝડપાયું

બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં આવેલી અમીધારા રાઈસમિલના કમ્પાઉન્ડમાંથી સુરત જિલ્લા એલ.સી.બી.એ શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 13 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમને જિલ્લામાં ગેરકાયદે બાયોડિઝલ વેચવાનો વેપલો અટકાવવા માટે અલગ અલગ વાહનોમાં બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી નવસારી રોડ પર તાજપોર ગામની સીમમાં આવેલા અમીધારા રાઈસમિલના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલ જેવું હલકી કક્ષાનું જ્વલનશીલ પ્રવાહી લોખંડની ટાંકીમાં રાખી વાહનોમાં ભરી વેચાણ કરે છે અને હાલમાં પણ તે ચાલુ જ છે.

આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાં એક ટ્રક પાર્ક કરેલ હતી અને તેની ડીઝલ ટેન્ક પાસે ત્રણ ઈસમો ઉભેલા હતા. પોલીસે ત્રણેયને પકડી લીધા હતા. પૂછપરછમાં તેઓ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ વેચી રહ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સ્થળ પરથી મનોજ મૂળજી પ્રજાપતિ (રહે લેકસીટી, બાબેન, તા. બારડોલી), ગૌતમ પરશુરામ મંડીર ( રહે સહકાર બંગલોઝ, કામરેજ) અને રાજુભાઈ દાનાભાઈ હુણ ( રહે ધારાનગરી, પોરબંદર)ની અટક કરી હતી જ્યારે બાયોડિઝલનો જથ્થો પૂરો પાડનાર મુંબઈના સરફરાઝને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્થળ પરથી બે મોટી લોખંડની ટાંકીમાંથી 8 હજાર લીટર શંકાસ્પદ બાયોડિઝલ કિંમત રૂ. 5.60 લાખ, ઇલેક્ટ્રિક ફ્યુઅલ પમ્પ કિંમત રૂ. 35 હજાર, એક ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂ. 5 હજાર, ટ્રક કિંમત રૂ. 7 લાખ, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ. 11 હજાર અને અન્ય સામાન મળી કુલ 13 લાખ 11 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *