કડોદના સોનિફળિયામાં બે માળનું મકાન તૂટી પડ્યું

બારડોલી તાલુકાનાં કડોદ ગામે આવેલા સોની ફળિયામાં રાત્રિના સમયે અચાનક બે માળનું મકાન ધરાશાયી થયું હતું. અંદર ગ્રાઉંડ રોડના લેવલથી 15 ફૂટ ઊંડું ખોદકામ કરતાં મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળે છે. આ દુર્ઘટનામાં પરિવારના પાંચ સભ્યોનો આબાદ બચાવ થયો છે.કડોદ ગામે સોની ફળિયામાં રહેતા દિલિપભાઈ હીરાલાલ શાહના પુત્ર રાજુભાઇ શાહના ઘરની બાજુમાં અંદર ગ્રાઉંડ રોડના લેવલથી 15 ફૂટ જેટલું ઊંડું જેસીબીથી ખોદકામ કરાતા સોમવારની રાત્રિના 8 વાગ્યાની આસપાસ બે માળનું મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળે છે. રાજુભાઇ શાહે ગ્રામપંચાયતના તલાટીને લેખિતમાં જણાવ્યું હતું કે વૈષ્ણવ સમાજની વાડી બનાવવામાં આવી રહી છે. જે રોડ લેવલથી 10 થી 15 ફૂટ નીચે સુધી જેસીબીથી ખોદકામ કરવામાં આવશે તો અમારા પાકા મકાનો તૂટી જવાની સંભાવના છે. પરંતુ સમાજના પ્રમુખ ભરતભાઇએ કોઇની પણ વાત સાંભળ્યા વગર રોડ લેવલથી 15 ફૂટ જેટલું ખોદકામ કરાવતા મકાન ધરાશાયી થતાં ઘરમાં રહેલ 2 ટીવી, 2 ફ્રીઝ, 2 એ.સી., ડાઈનિંગ ટેબલ તેમજ ઘરવખરી સહિતથી માંડી અનેક વસ્તુ મળી અંદાજે રૂા.30 લાખનું નુકસાન થયું છે. કડોદમાં ભૂકંપ આવ્યો હોય તેમ મકાન ધરાશાયી થતાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં પરિવારના પાંચ સભ્યોનો બચાવ થયો હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ કડોદ આઉટ પોસ્ટના જમાદાર, જી.ઇ.બી. સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો. આ ઘટનામાં રાજુભાઇ શાહે જણાવ્યુ હતું કે અમે જમવા બેસવાની તૈયારી હતી. પરંતુ ભૂકંપ જેવો આંચકો આવતા અમારા પરિવારના સભ્યોનો બચાવ થયો હતો. વૈષ્ણવ સમાજના ભરતભાઇ, ધનસુખભાઈ, દિપકભાઈ, રાજુભાઇએ ઘટના સ્થળની મુલાકાત લઈ જણાવ્યુ હતું કે આ મકાન તૂટી ગયું છે તેનું દુ:ખ છે. જે ખર્ચ થશે તે આપવા માટે તૈયારી બતાવી હતી. હાલમાં બંને પક્ષ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા ગામના આગેવાનો સાથે ચાલી રહી હોવાનું જાણવા મળે છે. હાલ કોઈ ફરિયાદ કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *