ઓલપાડમાં કૃષિ કાયદાના વિરોધમાં સોમવારે ભારત બંધ આંદોલનમાં જોડાયેલા ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો કાર્યક્રમની શરૂઆત પહેલાં જ પોલીસે અટકાયત કરતાં પોલીસ અને ખેડૂત સમાજના આગેવાનો સાથે રકઝક થઈ હતી. અટકાયત થતાં ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. ખેડૂતવિરોધી કાળા કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હોવાથી ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ઓલપાડમાં ખાડી ભંડાર ત્રણ રસ્તા પર સવારે ૧૦ વાગ્યે કાર્યક્રમો આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ કાર્યક્રમ શરૂઆત થાય એ પહેલાં જ ઓલપાડ પોલીસ પહોંચી ગઈ હતી અને ખેડૂત આગેવાનો જયેશ પાલ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ ખેડૂત અગ્રણી દર્શન નાયક, જયેન્દ્ર દેસાઈ, યોગેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોને ડિટેઇન કરતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને પોલીસ સ્ટેશનમાં જ ખેડૂતોએ મોટે મોટેથી સૂત્રોચ્ચાર કરીને પોલીસ સ્ટેશન ગજવી મૂક્યું હતું.
ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનની બારડોલીમાં કોઈ અસર દેખાઇ ન હતી. બારડોલીમાં કોંગ્રેસ આગેવાનો બંધ કરાવવા માટે નીકળે તે પહેલા સવારમાં જ તેમના ઘરે પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને કોંગ્રેસનાં ત્રણ આગેવાનોને નજર કેદ કરવામાં આવ્યા હતા. ખેડૂત સમાજ દ્વારા સમગ્ર દેશમાં 27મીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધની બારડોલીમાં કોઈ અસર વર્તાઇ ન હતી. બારડોલીમાં ખેડૂત આગેવાનો દેખાયા જ ન હતા. આ ઉપરાંત બંધને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હોય બારડોલી પોલીસ સવારથી કોંગી અગ્રણીઓના ઘરે પહોંચી ગઈ હતી. બારડોલી શહેર કોંગ્રેસ પ્રમુખ કિરણ લાકડાવાળા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિરણ પટેલ અને માજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ હસમુખ પટેલના ઘરે સવારથી પોલીસ જવાનો ખડકી નજરકેદ કરી દેવામાં આવ્યા હતા.
બારડોલીમાં બંધને નિષ્ફળ બનાવવા માટે પોલીસે ખાસ્સી જહેમત ઉઠાવી હતી. કોઈ નેતા બહાર નહીં આવી શકતા બારડોલી સહિત સમગ્ર તાલુકામાં બંધની અસર નહિવત રહી હતી અને બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. ખેડૂત આંદોલનમાં ઓલપાડ તાલુકો અગ્રેસર રહે તેમ હતો પરંતુ તેઓ કાર્યક્રમ યોજે તે પહેલા જ તેમના અગ્રણીઓની અટક કરી લઇને પોલીસે કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો તો બીજી તરફ ખેડૂતોએ પોલીસ મથકમાં જ રામધૂન કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેવી જ રીતે નવસારી, કપરાડા, વલસાડ, ચીખલી, વાંસદા અને બીલીમોરામાં પણ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.