વલસાડ જિલ્લા મોડીસાંજે પડી રહેલા વરસાદના કારણે વલસાડ અને ધરમપુર તાલુકાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદીના બ્રિજ ઉપરથી પાણી અડીને જતું હોવાથી વલસાડના મામલતદાર, પાલિકાના સીઓ, પાલિકા પ્રમુખ, એન્જિનર અને રૂરલ પીએસઆઈએ સ્થળ તપાસ કરીને બેરીકેટ લગાવીને પુલ બંધ કરી દીધો હતો. જેને લઈ વાહનચાલકોને વલસાડ ઓવરબ્રિજ થઈને હાઇવે ઉપર જવું પડ્યુ હતું. કપરાડા તાલુકામાં ભારે વરસાદને પગલેના મધુબન ડેમમાંથી આજરોજ બપોરે બાર વાગે 1,20,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકાના વિસ્તારો કે નદી ઉપર, ચેકડેમ કમ કોઝવે ઉપર કોઈએ પણ નહીં જવા માટે જિલ્લા કલેક્ટરે ટ્વીટ કર્યું છે.
વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુરમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ અબ્રામાનો વોટર વર્ક્સ ડેમ છલકાયો હતો. ઔરંગા નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. વલસાડ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારમાં આવતા ગામો ભાગડા ખૂર્દ, ઘમડાચી, વલસાડ પારડી, કાશ્મીર નગર, હનુમાન ભાગડા અને લીલાપુરને એલર્ટ કરાયા છે. હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોય જેથી ગણપતિ વિસર્જન કરવા માટે ઔરંગા નદી કિનારે મંડપ પણ બાંધવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા અચાનક પાણી આવી જતા મંડપ છોડી દેવાયો છે, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ તમામ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, ઔરંગા નદી પર સતત નજર રાખવી, અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે, જો પાણી ભરાય તો તાત્કાલિક નજીકના ગામો ખાલી કરવા માટે પણ જણાવ્યું છે.