ચીખલી નજીક એસટી બસને અકસ્માતમાં સાતને ઇજા

મજીગામ(MAJIGAM) નેશનલ હાઇવે પર પંકચર પડતાં ઊભા રહેલા કન્ટેનરમાં પાછળથી એસટી બસ અથડાતાં બસના ડ્રાઇવર – કંડકટર સહિત સાત જેટલાને નાની – મોટી ઇજા થતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ શનિવારના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં સેલવાસથી કોપર ભરી વડોદરા જઇ રહેલા કન્ટેનર નંબર ડીએન-૦૯ એન-૯૮૧૧માં નેશનલ હાઇવે પર મજીગામ કાલાખાડી નજીક પંકચર પડતાં રોડની થોડી સાઇડે ચાલકે ઊભુ રાખ્યું હતું. આ દરમ્યાન બપોરના સમયે વાપીથી ચીખલી(CHKKHLI) આવી રહેલી એસટી બસ નંબર જીજે – ૧૮ – ઝેડ – ૩૮૮૭ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઊભેલા કન્ટેનરના પાછળના ભાગે એસટી બસ ભટકાઇ હતી, જેમાં એસટી બસને વ્યાપક નુકસાન થયું હતું. આ અંગેની જાણ થતાં મજીગામના સરપંચ કમલેશ હળપતિ સહિતના સ્થાનિકો ધસી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બસના ડ્રાઇવર, કંડકટર સહિત સાત જેટલાને ૧૦૮ના માધ્યમથી રેફરલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબો સહિતના સ્ટાફે ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરી હતી.

અકસ્માતને પગલે વલસાડ – સુરત નેશનલ હાઇવે પર વાહન – વ્યવહારને પણ અસર થવા પામી હતી. જોકે કન્ટેનરના ટાયર પંકચર થતા સલામતી માટે પાછળ ચોકકસ અંતરે કોઇ બેરીકેડ કે ચેતવણીદર્શક બોર્ડ પણ જોવા મળ્યું ન હતું. બીજી તરફ બાજુની ટ્રેક પર દોડતા વાહનના ચાલકે વાહન રોંગ સાઇડે દબાવતા એસટી બસના ચાલકને લાચારી સર્જાતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. બસમાં સાત જેટલા મુસાફરો જ હતા અને સદ્‌નસીબે મોટી જાનહાનિ થઇ ન હતી. બનાવ અંગે લખાય ત્યાં સુધીમાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *