રાજ્યમાં જુલાઈ માસમાં પણ વરસાદ ખેંચાવવાના કારણે અંદાજિત 40 લાખ હેકટરમાં ખરીફ મોસમનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. મગફળી તેમજ કપાસનું વાવેતર બળી જવાની ભીતિ ખેડૂતોને લાગી રહી છે. જો કે આ મૂશ્કેલી વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈ માટે 7મી જુલાઈથી વધારાના બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં રાજ્યમાં સારો અને સાર્વત્રિક વરસાદ થવાના કારણે ખેડૂતોએ 40.53 લાખ હેકટરમાં એટલે કે 47.39 ટકા વાવેતર કરી દીધું છે. જેમાં 14.50 લાખ હેકટરમાં મગફળીનું 85.58 ટકા અને કપાસનું ગયા વર્ષની સરખામણીએ 16.50 લાખ હેકચર સાથે 64.64 ટકા વાવેતર કરી દીધું છે. રાજ્યમાં સરેરાશ 85,54,813 લાખ હેકટરમાં સરેરાશ વાવેતર થાય છે. જેની સામે હાલમાં 40,53,982 હેકટરમાં વાવેતર થઈ ચૂકયું છે.
જે સરેરાશ 47.39 ટકા થવા જાય છે. હાલમાં ગુજરાત ઉપર કોઈ વરસાદ લાવે તેવી સિસ્ટમના અભાવે રાજ્યમાં જુલાઈ માસમાં પણ અમદાવાદમાં 38 ડિગ્રી અને ડીસામાં પણ ગરમીનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનો પારો 31થી 36 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો છે. સીએમ વિજય રૂપાણીએ આજે મહત્વનો નિર્ણય લઈને વરસાદ ખેંચાવવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની કોઈ મૂશ્કેલી ન પડે અને પાક બચાવી શકાય તે માટે આવતીકાલ તા.7મી જુલાઈથી વધુ બે કલાક સાથે કુલ 10 કલાક વીજળી આપવામા આવનાર છે. ગુજરાત સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે હિતકારક નિવડે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. જો વરસાદનો અભાવ જોવા મળે તો ખેડૂતો સિંચાઇના ઉપયોગથી પણ ખેતી કરી શકશે.