આજે પાંચ રાજ્યો માટેના એક્ઝિટ પોલ્સમાં હાઇ પ્રોફાઇલ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે શાસક તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસીની આગાહી થઈ છે જ્યારે કેરળમાં શાસક ડાબેરીઓ સત્તા જાળવી રાખશે, આસામમાં ભાજપ સત્તા જાળવશે. એક્ઝિટ પોલ્સ મુજબ તમિલનાડુમાં ડીએમકે આગેવાની હેઠળ વિપક્ષનો વિજય થવાની આગાહી છે અને પડોશી પુડુચેરીમાં કૉંગ્રેસ સત્તા ગુમાવશે.પશ્ચિમ બંગાળમાં આજે આઠમા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલ્સના તારણો આવવા લાગ્યા હતા. પશ્ચિમ બંગાળમાં રિપબ્લિક-સીએનએક્સના પોલ્સ મુજબ 294 બેઠકોની વિધાનસભામાં ભાજપને 138-148 અને ટીએમસીને 128-138 સીટ મળશે. જો કે ટાઇમ્સ નાઉ સી વૉટર મુજબ ટીએમસીને 162 સીટ સાથે સ્પષ્ટ બહુમતી મળશે. ભાજપને 115 સીટ મળશે. આસામમાં કુલ 126 બેઠકોમાંથી ઇન્ડિયા ટુ ડેના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 75-85 અને કૉંગ્રેસને 40-50 સીટ મળશે. જન કી બાત એક્ઝિટ પોલે જો કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 162-185 સીટ્સ સાથે સ્પષ્ટ વિજય દર્શાવ્યો છે.




