અમેરિકાના ઇન્ડિયાનાપોલીસ એરપોર્ટ નજીક એક ફેડએક્સની સવલતમાં એક બંદુકબાજે ગત મોડી રાત્રે આડેધડ ગોળીબાર કરીને આઠને મારી નાંખી આપઘાત કરી લીધો હતો એમ પોલીસે જણાવ્યું હતું. અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે ગુરુવારે રાત્રે કરવામાં આવેલા ગોળીબારમાં ઇજા પામેલી પાંચ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાઇ હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે એમ પોલીસ પ્રવકતા જીન કૂકે જણાવ્યું હતું. અન્ય બે જણાને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને રજા આપવામાં આવી હતી. ફેડએક્સે જણાવ્યું હતું કે મૃતકોમાં આ કંપની માટે કામ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે. બનાવને નજરે જોનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તે આ બિલ્ડિંગમાં કામ કરે છે અને તેણે ઉપરાછાપરી બંદૂકના ગોળીબારના અવાજો સાંભળ્યા હતા. મેં એક માણસને તેના હાથમાં બંદૂક સાથે બહાર આવતો જોયો હતો અને તેણે જોર જોરથી બૂમો પાડવા માંડી હતી જે મેં સાંભળી ન હતી. હું નીચો વળીને સંતાઇ ગયો કારણ કે મેં વિચાર્યું કે જો તે મને જોશે તો તે મને પણ ગોળી મારશે એમ આ વ્યક્તિએ જણાવ્યું હતું.
