ગુજરાતમાં કોરોનાનું આક્રમણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે- 2021માં લેવાનારી ધોરણ 1૦ અને 12 બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લીધે ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવા માટે વાલીઓ અને શાળા સંચાલકો દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ગુરૂવારે શિક્ષણ વિભાગની મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 1 થી 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે, તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વધુમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ હવે પછી ક્યારે યોજવી તે અંગે આગામી 15મી મેના રોજ શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, અને ત્યારબાદ નવી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે. પરીક્ષાની તારીખો જાહેર કરાવતા પહેલા વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય પણ આપવામાં આવશે, તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 1 થી 12ના વર્ગોમાં પ્રત્યેક્ષ શિક્ષણ એટલે કે વર્ગખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
