ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે, ત્યારે કોરોનાને હરાવવાની લડાઈમાં ક્યારેય રાજનીતિ ન હોય શકે. બીજી તરફ સંખ્યાબંધ દર્દીઓ રેમડેસીવીર ઇન્જેક્શન માટે ફાંફા મારી રહ્યા છે, તે બતાવે છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમડેસીવીર ઇન્જેક્શન પૂરા પાડી શક્યા નથી. તો વળી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલે એકલાએ જ 5000 રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો મેળવીને સાબિત કરી દીધું કે વિજય રૂપાણી રેમડેસીવીર ઈન્જેકશન પૂરા પાડવામાં નિષ્ફળ નિવડ્યા છે, તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, જો કોઈ ભાજપના નેતા મુખ્યમંત્રી કરતાં વધારે વગદાર હોય, હજારો ઇન્જેક્શન લાવી શકતા હોય તો, તેમણે સરકારને પૂરા પાડવા જોઈએ અને સરકારે મફતમાં વિતરણ કરવું જોઈએ. શક્તિસિંહ ગોહિલ સરકારને વેધક પ્રશ્ન કર્યો હતો કે રાજકીય પાર્ટીઓ દ્વારા ઇન્જેક્શનો આપવાના હોય તો ભાજપ સિવાય અન્ય પાર્ટીઓને પણ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવશે ? ગોહિલે વધુમાં એવું પણ કહ્યું હતું કે આ ઇંજેક્શનની યોગ્ય જાળવણી અને યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે તે જરૂરી છે. કાયદા મુજબ લાઇસન્સ અને ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં આ દવા કે ઇન્જેક્શન વેચી શકાતા નથી. તો આ 5000 ઇન્જેક્શનો કોને- કોને આપવામાં આવ્યા, આ લાભાર્થીઓની વિગતો રજૂ કરવી જોઈએ. એવું ન બને કે થોડાક ઇન્જેક્શનનું વિતરણ થાય અને બાકીના પાછલા બારણે કાળા બજારમાં જતા રહે.
