ધરમપુર – બારડોલીના વિકાસ નકશા મંજૂર

રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપવામાં આવી છે. જે ત્રણ નગરોના આવા ડેવલપમેન્ટ પ્લાનના ફાયનલ નોટીફિકેશનને મંજૂરી આપી છે તેમાં મહેસાણા, બારડોલી અને ધરમપુરનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના મહત્વના શહેર મહેસાણાના છેલ્લા બે દશકમાં થયેલા ઉત્તરોત્તર વિકાસ તેમજ શહેરની આગવી ઓળખ માટેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સૂચનોને આવરી લઈને તૈયાર થયેલા મહેસાણા ડી.પી.ને આખરી મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતના ધરમપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને પણ મંજૂર કર્યું છે. બારડોલી શહેરી વિકાસ સત્તા મંડળ-બુડા અંતર્ગત બારડોલી શહેર અને આસપાસના ૧૬ ગામોના વિકાસ નકશાઓને આપેલી પ્રાથમિક મંજૂરી અને તેમાં આવેલા વાંધા-સૂચનોને ગુણવત્તાના ધોરણે ધ્યાનમાં લઈને બારડોલીના વિકાસ નકશાને પણ આખરી મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ત્રણેય નગરોમાં ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપતા હવે આવનારા બે દશક-૨૦ વર્ષ માટેનો આ શહેરોનો આયોજનબદ્ધ વિકાસ માર્ગ મોકળો થયો છે. આ ઉપરાંત ગાંધીનગર-ગુડા વિસ્તારની અને રાજકોટની રૈયા નં. ૧ (સેકન્ડ વેરીડ)ની ડ્રાફ્ટ ટીપી પણ મંજૂર થઈ છે. તદ્દનુસાર, પાટનગર ગાંધીનગરના આયોજનની પથરેખા પર જ સાબરમતી નદીના પૂર્વ વિસ્તારની અને ગિફ્ટ સિટીની ઉતરે પાલજ, બાસણ, લવારપુર, શાહપુરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૨૫ ને મંજૂરી આપવામાં આવી છે. પાટનગર ગાંધીનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૨૫ ને મંજૂરી મળવાથી ગાંધીનગર મહાનગરમાં અંદાજે વધું ૩૫૦ હેક્ટર્સનો વિસ્તાર આયોજનબદ્ધ રીતે વિકસીત થશે.

આ ટીપી સ્કીમના પરિણામે ગાંધીનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ –ગુડાને રસ્તા ઉપરાંત સામાજિક આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે ૩.૫૦ હેક્ટર્સ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ૧૭ હેક્ટર, બાગ-બગીચા તેમજ ખુલ્લી જગ્યા માટે ૧૦ હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે. એટલુ જ નહીં, રહેણાક-વાણિજ્યિક વેચાણના હેતુ માટે ૩૮.૬૬ હેક્ટર જમીન પ્રાપ્ત થશે. ગાંધીનગરના શહેરીજનોને આના પરિણામે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *