સરદાર ભીલાડવાળા બેંકની 92 મી વાર્ષિક સાધારણ સભા શનિવારે મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે બેંકના ચેરમેન જીતેન્દ્ર દેસાઈના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ખેડૂત દેવા માફીનો ઠરાવ મંજૂર કરાયો હતો. જેને આરબીઆઇ અને જિલ્લા રજીસ્ટર્ડની મંજૂરી લીધા બાદ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. વિતેલા હિસાબી વર્ષમાં રૂ.4.60 કરોડનો બેંકે ચોખ્ખો નફો મેળવ્યો છે. ભીલાડવાળા બેંકમાં વાઇસ ચેરમેન તરીકે પારુલ દેસાઈ અને જનરલ મેનેજર (એમડી) પદે વિજય દેસાઈની નિમણુક કરાઈ હતી. જેને આજની વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સભાની શરૂઆતમાં સેક્રેટરી હેમંત ભટ્ટે વાર્ષિક અહેવાલ વંચાણે લીધો હતો. જેને સર્વાનુમતે મંજુર કરાયો હતો. બેંકના ચેરમેન જીતેન્દ્ર બેંકમાં વર્ષ દરમ્યાન થયેલા પ્રગતિ અને નફા અંગેનો અહેવાલ નિવેદનમાં રજૂ કર્યો હતો. વાઇસ ચેરમેન પારૂલબેન દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. સભાસદોના પ્રશ્નમાં પારડીના સભાસદ વિજય દેસાઈ એ બેંકના સભાસદોને ડિવિડન્ડ અને મૃત્યુ સહાય ચૂકવવા તથા ઘર બેઠા કેલેન્ડર મળી રહે તેવી રજૂઆત કરી હતી.
આ વાર્ષિક સભામાં રૂ. 5 લાખનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. સભામાં હર્ષદ દેસાઈ, અમિત દેસાઈ, ભરત કે. પટેલ, કમલેશ પટેલ, ફાલ્ગુની ભટ્ટ, હેમંત ભગત, હેમંત દેસાઈ, અજય શાહ વગેરે ડિરેક્ટરો તેમજ કો-ઓપ ડિરેકટરો હાજર રહ્યા હતા. જયારે આજની વાર્ષિક સભામાં સભાસદોની પાંખી હાજરી જોવા મળી હતી.