બંગાળના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર શરૂ

ચક્રવાતી વાવાઝોડું તાઉ-તેના સંકટમાંથી બહાર આવ્યા બાદ દેશમાં હવે યાસ વાવાઝોડાનો ભય મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રવિવારે બંગાળની ખાડીમાં સર્જાયેલું હળવા દબાણવાળું ક્ષેત્ર સોમવારે એક ચક્રવાત વાવાઝોડામાં પરિવર્તિત થશે. મંગળવાર સુધીમાં વાવાઝોડું પ્રબળ શક્તિશાળી બની શકે છે. વાવાઝોડાનો સામનો કરવા માટે જળ, ભૂમિ અને વાયુસેનાએ કમર કસી છે. ત્રણેય સૈન્ય દ્વારા નુકસાનની સંભાવનાને જોતાં ઘણી ટીમો તહેનાત કરી છે.યાસ ઉત્તર ઓડિશાના પારાદીપ અને પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થશે. એ 26 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વાવાઝોડાના અલર્ટને ધ્યાનમાં લેતાં રેલવે દ્વારા 24થી 29 મે સુધી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે.પશ્ચિમ બંગાળ અને પૂર્વ મિદનાપુરના તેમજ દક્ષિણ 24 પરગનામાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવાનું કામ શરૂ થઇ ગયું છે. કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 85 ટીમ 5 રાજ્યમાં તહેનાત કરી છે. વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં થઈ શકે છે.
IMDના જણાવ્યા મુજબ, અહીં 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને કારણે 25 મેના રોજ બંગાળના મિદનાપુર, 24 પરગના અને હુગલીમાં હળવો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ પછી 26મી મેના રોજ નાદિયા, બર્ધમાન, બાંકુરા, પુરુલિયા અને બીરભૂમમાં ભારે વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *