વીસકોસ યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી નહીં લાદવા નિર્ણય

ડિરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ, ભારત સરકારમાં એસોસિએશન ઓફ મેઇન મેડ ફાયબર ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા દ્વારા ચાઇનાથી આયાત થતા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર એન્ટી સબસિડી ડ્યૂટી લાદવા માટે અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં તા. ર૦ જુલાઇ ર૦ર૦ના રોજથી ડીજીટીઆર દ્વારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી. વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો ૮પ ટકા જેટલો વપરાશ સુરતમાં થાય છે. જેથી સુરત સ્થિત મોટા ભાગના વિવર્સ એસોસિએશન જેવા કે ફિઆસ્વી, સુરત વિસ્કોસ વિવર્સ એસોસિએશન, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિ. અને વેડ રોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિ. દ્વારા કરાયેલી રજૂઆતને સંદર્ભે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના કેન્દ્રીય કાપડ મંત્રી પીયુષ ગોયલ, રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર. પાટીલને રજૂઆત કરી હતી. ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, ટેકસટાઇલ ક્ષેત્રે વપરાતાં મહત્વના રો મટિરિયલ્સ વપરાશકારોને વૈશ્વિક દરે, વૈશ્વિક ગુણવત્તા પ્રમાણે મળી રહે તેવો ભૂતકાળમાં ટેકસટાઇલ મંત્રાલય દ્વારા નાણાં મંત્રાલયને અભિપ્રાય આપવામાં આવ્યો હતો. અને તેના અનુસંધાને નાણાં મંત્રાલય દ્વારા વર્ષ ર૦ર૧–રરના બજેટમાં જાહેર કર્યું હતું કે, ટેકસટાઇલ ક્ષેત્રે વિવિંગ અને નિટિંગમાં વપરાશ કરવામાં આવતા મહત્વના રો મટિરિયલ્સ ઉપર કોઇપણ જાતની એન્ટિ ડમ્પિંગ, સીવીડી તથા એડિશનલ ડમ્પિંગ ડ્યૂટી નહીં લાગુ કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હતી.

આ રજૂઆતના સંદર્ભમાં ચેમ્બર પાસે એમએસએમઇડી વિભાગ દ્વારા પણ ખુલાસો માગવામાં આવ્યો હતો. જે અંગે ચેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન કી રો મટિરિયલ હોવાથી અને ટેકસટાઇલ મંત્રાલયના ભૂતકાળના અભિપ્રાયના અનુસંધાને ચેમ્બરનો મત, ટેકસટાઇલ મંત્રાલયના મતની સાથે સુસંગત હોવાથી કી રો મટિરિયલ ઉપર એન્ટી ડમ્પીંગ ડ્યૂટી, સીવીડી તથા એન્ટી સબસિડી ડ્યૂટી અને એડીશનલ કસ્ટમ ડ્યૂટી લાદવામાં નહીં આવવું જોઇએ. આ મુદ્દે ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, સુરત વિસ્કોસ વિવર્સ એસોસિએશનના પ્રતિનિધિ ધર્મેશ પટેલ તથા સુમિત અગ્રવાલ અને સુરેશ પટેલે સોમવાર, તા. ૯ ઓગષ્ટ ર૦ર૧ના રોજ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કેન્દ્રીય કાપડ મંત્રી પીયુષ ગોયલ, રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર. પાટીલની સાથે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી. આ બધી રજૂઆતોને પગલે ડીજીટીઆર દ્વારા સોમવાર, તા. ૯ ઓગષ્ટ ર૦ર૧ના રોજ તપાસનો આખરી દિવસ હોવાથી ચાઇનાથી આયાત થતા ૬૦ ડેનીયરથી ઉપરના વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર કોઇપણ પ્રકારની એન્ટી સબસિડી ડ્યૂટી લાદવામાં નહીં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

આ નિર્ણયના કારણે સુરતમાં બનતા આંતરરાષ્ટ્રીય કક્ષાના કાપડના નિકાસમાં વધારો થશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં દેશમાંથી એકસપોર્ટ વધારવાની જે હાંકલ કરવામાં આવી હતી તેમાં ઝડપી યોગદાન સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી આપી શકશે. અત્રે નોંધનીય છે કે, સુરતના પાંડેસરા તથા વેડ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ધમધમતા વણાટ ઉદ્યોગને ઘણી રાહત થશે. ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યું હતું કે રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ અને સાંસદ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના સહયોગને પગલે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ નહીં થતાં સુરતના વિવિંગ ઉદ્યોગને મોટી રાહત થઇ છે. અગાઉ ટેક્સટાઇલ વિભાગે સ્પષ્ટ મત પ્રક્ટ કર્યો હતો કે કી-રોમટિરિયલ પર કોઇપણ પ્રકારની એન્ટી ડમ્પિંગ ડયૂટી, સીવીડી કે એન્ટી સબસીડી ડયૂટી લાગુ થવી ન જોઇએ. સરકારે તે સ્વીકારી સુરતના વિવિંગ ઉદ્યોગોને મોટી રાહત આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *