મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન ફ્લિટ આધુનિકીકરણ પૉલિસીના નવતર આયામને આવકારતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે જે મજબૂત પાયો નાંખ્યો છે અને એમના બતાવેલા માર્ગ પર ગુજરાતના વિકાસને આગળ લઇ જવા માટે અમારી સરકાર પ્રતિબધ્ધ છે અને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવામાં આ પ્રયાસ ચોકકસ નવી દિશા આપશે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોવિડમાં સમગ્ર વિશ્વ મંદીમાં હતું ત્યારે ગુજરાતે એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમિયાન ભારતમાં કુલ FDIના ૩૭% હિસ્સા સાથે સૌથી વધુ ૧. ૬૨ લાખ કરોડ રૂપિયાની FDI હાંસલ કરી છે, જે અમારી સરકારની દૂરંદેશિતાના પરિણામે શકય બન્યું છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ છે. જેના પરિણામે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓ અને બીજી ઘણી મોટી ઉત્પાદન કંપનીઓ ગુજરાતમાં છે. રાજ્યના વધી રહેલા વિકાસના પરિણામે મોટા ઓટોમોટિવ ઉત્પાદકોની હાજરી તેમજ રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે. પર્યાવરણના જતન માટે આજે એ જરૂરી બની ગયું છે કે વપરાયેલા વાહનોને સ્ક્રેપ કરવા અને તેના માટે સુવિધાઓ વિકસાવવી એ માટે આપણે પ્રયાસો કરવા પડશે.
આ માટે અમારી સરકાર ચોકકસ આગળ આવીને દેશને રાહ ચીંધશે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્ય સરકારે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી અને ગુજરાત ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પૉલિસી લાગુ કરી છે. વિકાસની સાથે આ નીતિઓ પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજી, કાર્યક્ષમ લોજિસ્ટિક્સના વિકાસમાં અને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ અને રિ-સાયક્લિંગ માટે પસંદગીનું કેન્દ્ર બનાવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું ઓટો માર્કેટ છે. ભારતમાં અત્યાર સુધીમાં રજિસ્ટર્ડ વાહનોની સંખ્યા લગભગ ૨૭૩ મિલિયન છે. આમાંથી ૨૦૨૫ સુધીમાં ૨૮ મિલિયન વાહનો સ્ક્રેપ કરી શકાય એમ છે. હાલમાં, ભારતીય સ્ટીલ ઉદ્યોગ વાર્ષિક ધોરણે લગભગ ૬ થી ૭ મિલિયન ટન સ્ટીલ સ્ક્રેપની આયાત કરે છે. જૂના વાહનોના સ્ક્રેપ સ્ટીલને રિ-સાયક્લિંગ કરીને આ સ્ટીલની આયાત ઘટાડવામાં રાજ્ય સરકાર પ્રયાસ કરશે. આ સંયુક્ત પહેલ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે અને સાથે સાથે તે વૈશ્વિક ઓટોમોબાઈલ રિ-સાયક્લિંગ માર્કેટમાં ભારતની સ્થિતિને પણ ફરીથી વ્યાખ્યાયિત કરશે.