વલસાડ તાલુકાના ગોરગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ૧૫ ગામોમાં તબક્કાવાર પ્રથમ ડોઝની રસીકરણ કામગીરી પૂર્ણ કરી વલસાડ જિલ્લાનું ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરનારું પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. આ કામગીરી પૂર્ણ કરવામાં મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યેશ પટેલ તથા તેમની ટીમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. પ્રા.આ.કેન્દ્ર ગોરગામના મેડિકલ ઓફિસર, આરોગ્ય સ્ટાફ તથા વહીવટી સ્ટાફને ૧૦૦ ટકા રસીકરણ કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હાલ વલસાડ જિલ્લાના ૪૮ ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પુર્ણ કરવામાં આવી છે, જેમાં વલસાડ તાલુકાનાં ૨૭ ગામનો સમાવેશ થાય છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કમલ ચૌધરીની આગેવાની હેઠળ વલસાડ તાલુકામાં ગામોનાં સરપંચ, આગેવાનો, સમાજના અગ્રણીઓ, વેપારીઓ સાથે સતત સંપર્કમાં રહી સૌનો સાથ-સહકાર અને સહયોગ મેળવી આ સિધ્ધી મેળવવામાં સફળ રહ્યા છે.
