વલસાડના રેલવે કર્મચારીઓની રેલરોકો આંદોલનની ચીમકી

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી પ્રશાંત કાનડેના નેજા હેઠળ સમગ્ર મુંબઈ ડિવિઝનમાં તેમજ વલસાડ બ્રાંચ દ્વારા રેલવેમાં મોનેટાઈઝેશનના નામે થતા ખાનગીકરણના વિરોધ સંદર્ભે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. આઈઓડબલ્યુ ખાતે મિટિંગ યોજી ‘ચેતવણી દિવસ’ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલ ઈન્ડિયા રેલ્વેમેન્સ ફેડરેશનના સદસ્ય કૉમરેડ પ્રકાશ સાવલકરે જણાવ્યું કે, કેંદ્ર સરકાર રેલ્વે કર્મચારીઓનું શોષણ કરવા, રેલ્વે કર્મચારીઓને અધિકારથી વંચિત રાખવા અને રેલ્વેનું ખાનગીકરણ કરવા માંગે છે, પરંતુ યુનિયન તેનો ઉગ્ર વિરોધ કરે છે. આસિસ્ટન્ટ ડિવિઝનલ સેક્રેટરી સંજય સિંહે આહવાન આપ્યું કે, ઓલ ઇન્ડીયા રેલવે મેન્સ ફેડરેશનનો આદેશ મળશે તો સમગ્ર દેશમાં સૌથી પહેલા વલસાડ સ્ટેશન પર રેલ રોકો આંદોલનની શરૂઆત થશે. સરકાર દ્વારા ખાનગીકરણનું નામ બદલી મુદ્રીકરણ કરી રેલવે ની સંપત્તિને ખાનગી હાથોમાં સોંપવાનો કારસો રચવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ૪૦૦ રેલવે સ્ટેશનો, ૧૪૦૦ કિલોમીટર રેલવે ટ્રેક, ૭૪૧ કિલોમીટર કોંકણ રેલવે, ૧૫ રેલવે સ્પોર્ટ્સ સ્ટેડિયમ, ૪ રેલવે હિલ સ્ટેશન, રેલવેની કેટલીક કોલોની ખાનગી હાથોમાં સોંપી દેવાની હિલચાલ શરૂ કરાઈ છે, જેનો વિરોધ કરાઇ રહ્યો છે. વલસાડમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન વલસાડ બ્રાન્ચના સેક્રેટરી હુસેન બેલીમ, રોબિન્સન, તુષાર મહાજન, મુનાવર શેખ, શિવન, વિનય પટેલ,નરેન્દ્ર રાજપૂત, પ્રસાદ કાજલે, દિનેશ ગૉસ્વામી અન્ય કાર્યકર્તાઓ અને રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *