વલસાડના વલસાડ પારડી વોર્ડ નં. 2 અને 5 માં ડ્રેનેજ લાઈન મુદ્દે સ્થાનિકો આક્રમક મૂડમાં આવી ગયા છે. આવનારી પેટા ચૂંટણીમાં કામ નહીં તો વોટ નહીં, ભાજપના કાઉન્સિલર ને વોટ નહીંના બેનરો લઈને વિસ્તારમાં ફરતા પાલિકા એન્જિનિયર, ભાજપની હાય હાય બોલાવતા સામી ચૂંટણીએ વિવાદ વકરવા સાથે ભાજપ ઉમેદવાર સામે પડકાર પણ ઉભો થયો છે. સ્થાનિકોએ જણાવ્યું કે 2 દિવસમાં ડ્રેનેજનુ કામ નહીં કરાશે તો સોમવારે સ્થાનિકો ગટરમાં બેસી જવાની ચીમકી આપતા વાતાવરણ ગરમાયુ હતું. આ મુદ્દે ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પણ પાઠવાયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ નગરપાલિકાની 3 ઓક્ટોબરે 5 બેઠકની પેટા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વલસાડપારડી વોર્ડ નં.2 અને 5 માં ડ્રેનેજની સમસ્યાને લઈ વિવાદ વધી રહ્યો છે. અહીં ડ્રેનેજ લાઈન ડ્રેનેજમાં નહિ પણ ખુલ્લી ગટરોમાં આપી દેવાતા રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. આ બાબતે વોર્ડ 2 ના મહિલા સભ્ય ઉર્વશીબેન પટેલે કલેકટરને રજૂઆત કરી હતી. પાલિકાના એન્જિનિયરે વર્કઓર્ડર વગર કામ કરાવી રહ્યા હોવાનું અને આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા હતા. વિરોધ છતાં સાંજ સુધીમાં ડ્રેનેજ લાઈન નાખી દીધી હતી. ત્યારે વોર્ડ નં.2 અને 5 ના રહીશોએ આજરોજ શુક્રવારે ખોડીયાર માતા મંદિર પાસે ભેગા મળીને હાલમાં પેટા ચૂંટણીને લઈ વોર્ડ નં. બે અને પાંચમાં મહિલાઓ હાથમાં બેનરો લઇને ફર્યા હતા.
કામ નહીં તો વોટ નહીં અને ભાજપના કાઉન્સિલરને વોટ નહીંના બેનરો લઇને રહીશો ફર્યા હતા. મહિલાઓએ વલસાડ પાલિકા, ભાજપ અને એન્જિનિયરની હાય હાય પણ બોલાવી હતી. પાલિકા માજી પ્રમુખ રાજુ મરચાંએ જણાવ્યું હતું કે, પાલિકા બે દિવસમાં ડ્રેનેજનું કામ નહીં કરે તો સોમવારના રોજ તમામ ગ્રામજનો ગટરમાં બેસીને વિરોધ કરવાની ચીમકી આપી હતી.