ખેડૂત આંદોલનનું જે એક મોટું કેન્દ્ર રહ્યું છે તે દિલ્હી-યુપી સરહદ પર કેટલાક મહત્વના રૂટો પર આજે ખેડૂતોના ભારત બંધના એલાનને કારણે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ગાઝિયાબાદ અને નોઇડાની સરહદોને દિલ્હી સાથે જોડતા કેટલાક માર્ગો પર વાહન વ્યવહારને વ્યાપક અસર થઇ હતી. ગાઝીયાબાદ અને દિલ્હીને જોડતો ધોરીમાર્ગ સાવચેતીના પગલા તરીકે ગાઝીયાબાદ પોલીસે બંધ કરી દીધો હતો. કેટલાક માર્ગો પરનો ટ્રાફિક અન્ય માર્ગો પર વાળવામાં આવ્યો હતો. ખેડૂત નેતાઓએ અગાઉથી જ જાહેર કર્યું હતું કે મોદી નગરમાં આવેલ રાજ ટોકિઝ ઇન્ટરસેક્શનને અવરોધવામાં આવશે અને આ કારણે અગાઉથી પરતાપુર, મેરઠથી આવતા વાહનોને એક્સપ્રેસ-વે તરફ વાળવામાં આવ્યા હતા.
બીજા પણ કેટલાક રૂટો પરનો ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ યુપીના મેરઠ, બાગપત, હાપુર, મથુરા અને બુલંદશહર જેવા શહેરોમાં પણ આવા જ વિરોધ પ્રદર્શનો યોજાઇ હતા અને વાહન વ્યવહારને અસર થઇ હતી.