જીએસટીની સમીક્ષા માટે બે કમિટી બનાવાઇ

નાણાં મત્રાલયે રાજ્યોના નાણાં પ્રધાનોની 2 કમિટિ બનાવી છે જેઓ વર્તમાન વેરા સ્લેબ અને જીએસટીમાંથી બાકાત વસ્તુઓની સમીક્ષા કરશે, વેરા ચોરીના સંભાવિત સ્ત્રોતોની ઓળખ કરશે અને આવક વેરા પદ્ધતિમાં ફેરફારો સૂચિત કરશે. દરોને તર્કસંગત બનાવવા માટેના મંત્રીઓનો સમૂહ (જીઓએમ) ઈન્વર્ટડ ડ્યુટી સ્ટ્રક્ચરની પણ સમીક્ષા કરશે અને વેરા દરના સ્લેબને મિશ્રિત કરવા સહિતના તર્કસંગત પગલાંઓની ભલામણ કરશે. રાષ્ટ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) શરૂ કર્યાના ચાર વર્ષ બાદ કેન્દ્ર અને રાજ્યોએ ‘જીએસટીમાં વધુ સાદા દર માળખા’ તરફ આગળ વધી રહ્યા છે અને તે માટે વર્તમાન દરોના સ્લેબની સમીક્ષા કરાઈ રહી છે જેમાં વિશેષ દરો અને રેટ સ્લેબને મિશ્રિત કરવું પણ સામેલ છે.

જીએસટી હેઠળ ચાર વેરા માળખા છે જેમાં જરૂરી વસ્તુઓને વેરાથી મુક્ત રખાઈ છે અથવા સૌથી ઓછો 5 ટકાનો વેરો લગાવવામાં આવ્યો છે જ્યારે કારો પર સૌથી વધુ 28 ટકા વેરો લગાવવામાં આવ્યો છે. અન્ય સ્લેબ 12 અને 18 ટકા છે. આ ઉપરાંત વૈભવી અને ખરાબ વસ્તુઓ પર 28 ટકા વેરા સાથે સેસ લાદવામાં આવ્યો છે. એવી માગ છે કે 12 અને 18 ટકાના સ્લેબને ભેગા કરી દેવામાં આવે અને અમુક વસ્તુઓને કરમુક્તિમાંથી બહાર કાઢવામાં આવે જેથી સ્લેબને તર્કસંગત બનાવવાની મહેસુલ પર પડેલી અસરને સંતુલિત કરી શકાય. 7 સભ્યોની પેનલની અધ્યક્ષતા કર્ણાટકના મુખ્યમંત્રી બસાવરાજ બોમ્મઈ કરશે, તેમાં પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન અમિત મિત્રા, કેરળના નાણાં પ્રધાન કે એન બાલાગોપાલ, બિહારના નાયબ મુખ્યમંત્રી તાર્કીશોર પ્રસાદ સામેલ છે. આ સમૂહ સામાન અને સેવા કરમાંથી છુટ મળેલી વસ્તુઓ અને સેવાઓના પુરવઠાની પણ સમીક્ષા કરશે જેનો ઉદ્દેશ્ય વેરાના આધારને વિસ્તૃત કરવાનો અને આઈટીસી ચેન તૂટી રહી છે તે જગ્યા હટાવવાનો છે.

જીએસટી પદ્ધતિ પર મંત્રીઓનો સમૂહ કર ચોરીના સંભાવિત સ્ત્રોતોની ઓળખ કરશે અને મહેસુલ છુટી રહ્યું હોય એવી જગ્યાને ભરવા માટે વેપાર પ્રક્રિયામાં અને આવક વેરા પદ્ધતિમાં ફેરફારો સૂચિત કરશે. 8 સભ્યોની પેનલની અધ્યક્ષતા મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજીત પવાર કરશે તેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, તમિલનાડુના નાણાં પ્રધાન પલાવીવેલ થીયાગા રાજન અને છત્તીસગઢના નાણાં પ્રધાન ટી એસ સિંહ દેવ સામેલ થશે. આ પેનલ આવક વેરા અધિકારીઓ પાસે ઉપલબ્ધ આવક વેરાના સાધનોની સમીક્ષા કરશે અને તેમને વધુ અસરકારક બનાવવાના સૂચનો આપશે, વેરાનું વધુ સારી રીતે અનુપાલન કરાવવા આંકડાઓના વિશ્લેષણના સંભાવિત ઉપયોગની ઓળખ કરશે અને કેન્દ્રીય અને રાજ્યના વેરા અધિકારીઓ વચ્ચે વધુ સારા સંકલનના માર્ગ સૂચિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *