છેલ્લા કેટલાક સમયથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા છાશવારે કરવામાં આવતા હુમલાઓ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ખાસ કરીને કલમ 370 નાબૂદ થયા પછી તો મહદઅંશે કાબૂ આવી ગયો છે. સેના અને સુરક્ષાદળોએ ચાલુ કરેલા ઓપરેશન ઓલ આઉટની પણ વ્યાપક અસર જોવા મળી રહી છે આ ઉપરાંત એનઆઇએ દ્વારા કાશ્મીરના અલગાવવાદી નેતા પર ઇડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી વિદેશથી આવતું ફંડ પણ બંધ થઇ ગયું છે. વિદેશથી ખાસ કરીને પાકિસ્તાનથી આવતા ફંડનો મોટો હિસ્સો આંતકી ગતિવિધિઓમાં જ વપરાતો હોવાનું તપાસ એજન્સીએ શોધી કાઢ્યું હતું. દરમિયાન શનિવારે કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ પોલીસ અને સેનાના જવાનોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસના બે જવાન શહીદ થઇ ગયા હતા જ્યારે અન્ય બે ને ઇજા પહોંચી હતી. આતંકવાદી હુમલામાં ઇજા પામેલા જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલામાં બે નાગરિકો પણ માર્યા ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સોપોરના અરંપોરામાં પોલીસ અને સીઆરપીએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે અચાનક જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું આ હુમલામાં એક પોલીસ વાહનને પણ નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે. હુમલો કર્યા પછી આતંકવાદીઓ નાસી છુટ્યા હતા. આ ઘટના અંગે કાશ્મીર ઝોનના આઇજી વિજયકુમારે કહ્યું હતું કે, આ હુમલામાં બે જવાન શહિદ થયા છે જ્યારે બે શહેરીજનો માર્યા ગયા છે. જે જવાનો શહિદ થયા છે તેમાં બડગામના બીરવાહ ગોરીપોરા રહેવાસી શોક્ત અહેમદ અને શ્રીનગરના નરબલ ખાતે રહેતા વસીમ અહેમદનો સમાવેશ થાય છે. જ્યારે સોપોરના તલિયાન મહોલ્લા ખાતે રહેતા બશીર અહેમદ ખાન અને શાલિમાર કોલોની ખાતે રહેતા શોકત સલ્લાહનો સમાવેશ થાય છે. આ આંતકવાદી હુમલો થતાંની સાથે જ સેના અને સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જો કે મોડી રાત સુધી આતંકવાદીઓ પોલીસના હાથે ચઢ્યા નથી. આતંકવાદીઓ સ્થાનિક છે કે સરહદ પારથી આવ્યા છે તેની તપાસ પણ હાલમાં પોલીસ ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સેનાના ઓપરેશન ઓલઆઉટના કારણે સ્થાનિક આતંકવાદીઓની કમર તૂટી ગઇ છે એટલે આતંકવાદીઓ સરહદ પારથી આવ્યા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી આ ઉપરાંત જો તેઓ સરહદ પારથી આવ્યા હોય તો તેને શરણ આપનારાઓને પણ સુરક્ષા જવાનો શોધી રહ્યાં છે.
