મજુરાગેટના દયાળજી આશ્રમ અધ્યાત્મ નગરી ખાતે શુક્રવારના રોજ ભગવંતોની પાવન નિશ્રામાં 59 દીક્ષાથીઓેને મુહૂર્ત પ્રદાન થયા હતા. દીક્ષા યુગપ્રવર્તક સૂરિરામચંદ્ર તથા સૂરિશાંતિચંદ્રના ધર્મ પ્રભાવક સામ્રાજ્યમાં આજે દીક્ષાધર્મ મહાનાયક સૂરિ શાંતિ-જિન-સંયમ કૃપાપાત્ર યોગતિલકસૂરિશ્વરજી, મોટા સાહેબજી સૂરિજિનચંદ્રના દિવ્ય આશિષ ઝીલી 59 દિક્ષાર્થીઓ એ સિંહ ગર્જનાથી દિક્ષાના સંકલ્પની ઘોષણા કરી હતી. તેઓને જૈનાચાર્ય મુક્તિપ્રભસૂરીશ્વરજી, યોગતિલકસૂરીશ્વરજી, કુલરત્નસૂરીશ્વરજી, પુણ્યપ્રભસૂરીશ્વરજી, હ્રીંન્કારપ્રભસૂરીશ્વરજી, આર્યતિલકવિજયજી સહિત 400 થી વધુ શ્રમણ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં દીક્ષા ના મુહૂર્ત અપાયા હતા. દીક્ષાર્થીઓ વતી મુહૂર્ત પ્રદાન દિવસના લાભાર્થી તથા આખા પરિવાર સાથે દીક્ષા લેતા ભોરોલતીર્થના ચંપાબેન ભીખાલાલ મહેતા પરિવારના ગુણવંતભાઈએ સૌ દીક્ષાર્થી વતી મુહૂર્ત ની યાચના કરી હતી અને સુરતના વેસુ બલર હાઉસ મધ્યે જગતના ચોકમાં દીક્ષા ધર્મનો જયનાદ કરવા જઈ રહેલા પાંચ દિવસીય સામૂહિક દીક્ષા મહોત્સવ અંતર્ગત દીક્ષાનો મંગળ દિવસ કારતક વદ 10 સોમવાર તા. 29 નવેમ્બરનું અપાયું છે.
તમામ મુમુક્ષુઓ ના બહુમાનની ઉછામણી બોલાઈ હતી. 7,10 તથા 12 વર્ષના ત્રણ રાજકુમારને પણ ઝાંખા પાડે તેવા દીક્ષાર્થી દીકરાઓને નિહાળી ઉપસ્થિત સંયમરાગીઓ એ ધન્યતા અનુભવી હતી. 7 વર્ષના મેઘકુમાર થી લઈ 70 વર્ષના ચીનુભાઈ સુધીના તમામ મુમુક્ષુઓ એ દીક્ષાના મુહૂર્ત લીધા હતા. 60 મુમુક્ષુઓ મુહૂર્ત લેવાના હતા જેમાં 59 ને મુહૂર્ત અપાયા છે. એક મુમુક્ષુને આગામી સમયમાં મુહૂર્ત અપાશે તેવું રવીન્દ્રભાઇએ જણાવ્યું હતું. આજે સંવેદના રૂષભભાઈ એ તથા સભાનું સંચાલન રવીન્દ્રભાઈ તથા દિનેશભાઇએ કર્યુ હતું.