સુરત ક્રાઇમબ્રાન્ચને મોટી સફળતા,ધાડપાડું ગેંગ ઝડપાઇ

સુરત સહિત આંતરરાજ્યમાં ઘરફોડ ચોરી કરનારી ચડ્ડી – બનિયાનધારી ગેંગના 10 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા સાંપડી છે. મુળ મધ્ય પ્રદેશના વતની એવા આ આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં અલગ – અલગ વિસ્તારોમાં દિવસ દરમ્યાન રેકી કરીને મોડી રાત્રે ઘટનાને અંજામ આપી નાસી છૂટતા હતા. શહેરના મોટા વરાછા ખાતે લેક ગાર્ડન પાસે કોમ્બિંગ દરમ્યાન ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલી આ કુખ્યાત ટોળકી વિરૂદ્ધ માત્ર સુરત શહેરમાં જ 14 ગુન્હા નોંધાયેલા છે. આ સિવાય રાજ્યના અમદાવાદ – આણંદ સહિતના અન્ય શહેરોમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.50 લાખ રૂપિયાના સોના – ચાંદીના દાગીના સહિત કુલ્લે 3.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સુરત પોલીસ કમિશ્નરે આજે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી સુરતના અમરોલી બ્રીજ પાસે આવેલ ખુલ્લા પ્લોટ પર શ્રમિકોનો વેશ ધારણ કરીને વસવાટ કરતા હતા. કોઈને શંકા ન થાય તે માટે આરોપીઓ પૈકી દેવા પારધી, રુકેશ ચોટલી, સચિન પારધી, કાલુ અને રાજકુમાર નામના ઈસમો શહેરના વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બ્હાને રેકી કરતા હતા. અલગ – અલગ વિસ્તારોમાં રેકી કર્યા બાદ આ પાંચેય ઈસમો સાંજે સાતેક વાગ્યા સુધી પોતાની ટોળકી પાસે પરત પહોંચી જતા હતા અને બાદમાં આખે આખી ટોળકી રાત્રિના આઠેક વાગ્યા સુધી નક્કી કરેલા લોકેશન પર પહોંચી જતા હતા. જ્યાં આ ટોળકી નક્કી કરેલા લોકેશનની આસપાસ આવેલ અવાવરૂ જગ્યામાં છુપાઈ જતા હતા. રાત્રે દોઢથી બે વાગ્યાના સુમારે આ આરોપીઓ પોતાના તમામ કપડા કાઢીને માત્ર ચડ્ડી – બનિયાન પહેરી લુંગીમાં ઘરફોડ માટેના સાધનો છુપાવીને નક્કી કરેલા બંગલા પર ત્રાટકતા હતા. તમામ આરોપીઓએ આ ધાડ દરમ્યાન પોત – પોતાની કામગીરી વ્હેંચી લેતા હતા. જેમાં બંગલાની બારીના ખિલ્લા પેચીયાથી ખોલવાનું કામ રાજકુમા્ર, દેવા પારધી અને ગજરાત કરતા હતા જ્યારે રુકેશ ચોટલી અને કાલુ નામના ઈસમો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડવાનું કામ કરતા હતા. આ સિવાય અન્ય આરોપીઓ બંગલાની આસપાસ ઉભા રહીને વોચ રાખતા હતા. આ દરમ્યાન જો કોઈ કુતરા કે માણસો આવી ચઢે તો ગિલોલથી તેઓને ભગાડી દેતા હતા. ધાડને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પુનઃ નક્કી કરેલા સ્થળે પહોંચી જતા જ્યાં પેન્ટ – શર્ટ પહેરીને સવાર થવાની રાહ જોતા હતા. લોકોની અવર – જવર શરૂ થતાં આ તમામ આરોપીઓ ભીડમાં ચાલતા ચાલતા અમરોલી બ્રીજ પાસે આવેલા ખુલ્લા પ્લોટ પર એકઠા થઈ જતા હતા. જ્યાં ધાડમાંથી મળેલા મુદ્દામાલનો સરખે હિસ્સે વહેંચી લેતા હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે આરોપીઓની ધરપકડ બાદ જણાવવામાં આવ્યું હતું કે, આ ગેંગ દ્વારા માત્ર સુરતમાં જ નહીં રાજ્યના અમદાવાદ, આણંદ, ખેડા, ડીસા, વલસાડ, બરોડા, નવસારીમાં ધાડ પાડવામાં આવી હતી. આ સિવાય આ ગેંગ દ્વારા મુંબઈ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબ ખાતે પણ અલગ – અલગ શહેરોમાં ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. જેની તલસ્પર્શી તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *