સુરતના ચોકબજાર વિસ્તારમાં જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ઉપર ‘15 ઓગસ્ટ બ્લેક ડે, આરએસએસ આતંકવાદી સંગઠન’ જેવા લખાણ લખનારને ક્રાઈમ બ્રાંચે આજે ઝડપી પાડ્યો હતો. એસીપી એન.એસ.દેસાઈ દ્વારા તેની પૂછરપછ કરાતાં તેણે ફેસબુક અને યુટ્યૂબ ઉપર આરએસએસ દ્વારા ધર્મ બાબતે વીડિયો જોઈને નારાજ હોવાથી આ લખાણ લખ્યું હોવાનું કહ્યું હતું. જોકે આ અંગે વધારે પૂછપરછ હાથ ધરાઈ હતી.શહેરના કોટ વિસ્તાર ચોકબજારમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલની દિવાલ ઉપર 15 ઓગસ્ટના દિવસે જ રાષ્ટ્ર વિરોધી અને આરએસએસ વિરોધી લખાણ લખ્યા હોવાથી વિવાદ સર્જાયો હતો. 15 ઓગસ્ટ બ્લેક ડે, આરએસએસ આતંકવાદી સંગઠન, આરએસએસ પર બેન મૂકો જેવા લખાણ લખાયાં હતાં. જેને પગલે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, દિપક આફ્રિકાવાલા સહિતના નેતાઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આ બાબતે પોલીસને જાણ કરી છતાં પોલીસે માત્ર જાણવા જોગ દાખલ કરી હતી. રાષ્ટ્ર વિરોધી લખાણ છતાં પોલીસે એફઆઈઆર દાખલ કરી નહોતી.
આ અંગે એસીપી એનએસ દેસાઈને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં આજે ક્રાઈમ બ્રાંચે શાહપોર ખાતે રહેતા 24 વર્ષીય સોહેબ અલી તાહીર અલી શેખની ધરપકડ કરી છે. સોહેબ જમીન મકાન લે-વેચનું કામ કરે છે. તેને ફેસબુક અને યુટ્યુબ ઉપર આરએસએસના કેટલાક વિડીયો જોતો હતો. આ વિડીયો જોઈને તેની માનસિકતા કટ્ટર થઈ ગઈ હતી. તેને ઘણા સમયથી વિચારી રાખ્યું હતું કે આરએસએસ વિરૂદ્ધમાં લખાણ લખશે. એટલે તેને 15 ઓગસ્ટની રાત્રે આ પ્રકારનું લખાણ સ્પ્રે વડે લખ્યું હતું. એસીપી દ્વારા આ અંગે વધારે પૂછપરછ હાથ ધરાઈ હતી.