સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ શુક્રવારે કહ્યું કે, તેમને આશા છે કે ભારતમાં તેમની કંપની દ્વારા ઉત્પાદિત વધુ એક કોરોના રસી ઓક્ટોબરમાં પુખ્ત વયના લોકો અને બાળકો માટે 2022ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં લોન્ચ કરવામાં આવશે.તેમણે સીરમ ઇન્સ્ટિટ્યૂટને પૂરા પાડવામાં આવેલા તમામ સપોર્ટ માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, કંપની હંમેશા તેની કૉવિશિલ્ડ ઉત્પાદન ક્ષમતાની માંગને પહોંચી વળવા પ્રયત્નશીલ છે. પૂનાવાલા સંસદમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા અને બંને વચ્ચેની બેઠક 30 મિનિટ સુધી ચાલી હતી.પૂનાવાલાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, સરકાર અમને મદદ કરી રહી છે અને અમે કોઈ નાણાકીય તંગીનો સામનો કરી રહ્યા નથી. અમે તમામ સહકાર અને સમર્થન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ.જ્યારે, બાળકો માટે રસી અંગે પૂછવામાં આવ્યું ત્યારે પૂનાવાલાએ કહ્યું કે, બાળકો માટે કોવોવેક્સ રસી આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશે.જ્યારે, તેમને આશા છે કે પુખ્ત વયના લોકો માટે ડીસીજીઆઈની મંજૂરીના આધારે ઑક્ટોબરમાં કોવોવેક્સ લોન્ચ કરવામાં આવશે.
તે બે ડોઝની રસી હશે અને તેની કિંમત લોન્ચ સમયે નક્કી કરવામાં આવશે. ભારતમાં કૉવિશિલ્ડ રસીની હાલની ઉત્પાદન ક્ષમતા દર મહિને 130 મિલિયન ડોઝ છે અને તેને હજુ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ પૂનાવાલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને પણ મળ્યા હતા.