બળતણના ભાવમાં ફરી એકવાર વધારો કરાયા બાદ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને નાગાલેન્ડમાં અમુક સ્થળોએ પેટ્રોલના ભાવ આજે લિટરે રૂ. 100ની સપાટીને કૂદાવી ગયા હતા. આજે પેટ્રોલના ભાવમાં લિટરે 35 પૈસા અને ડિઝલમાં 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે 100.91 અને ડિઝલનો રૂ. 89.88 થયો છે. યુપીના રામપુર જિલ્લા, છત્તીસગઢના કંકેર, જશપુર અને નારાયણપુર જિલ્લાઓ અને નાગાલેન્ડના કોહિમામાં ભાવ 100ને પાર થયા છે. છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ, લડાખ, સિક્કિમ અને પુડુચેરીમાં ભાવ 100 રૂ.ને પાર થઈ ચૂક્યા છે. વેટ જેવા સ્થાનિક ટેક્સ અને નૂરના દરોને લીધે ભાવ રાજ્યોમાં અલગ અલગ હોય છે. દિલ્હીમાં હવે પેટ્રોલની છૂટક વેચાણ કિમતના 55% ટેક્સ થઈ ચૂક્યો છે (લિટરે રૂ. 32.90 કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી તરીકે વસૂલે છે, રૂ. 22.80 રાજ્ય સરકાર વેટ તરીકે વસૂલે છે). ડિઝલના અડધા ભાવ તો ટેક્સના જ છે (લિટરે રૂ. 31.80 એક્સાઇઝ અને રૂ. 13.04 વેટ). શનિવારે કરવામાં આવેલો ભાવવવધારો ચોથી મે પછી 38મો ભાવવધારો હતો. આ 38 ભાવવધારામાં પેટ્રોલ લિટરે 10.51 અને ડિઝલ રૂ. 9.15 (36 ભાવવધારો) મોંઘું થયું છે.
