નેતાઓને ભીડ ભેગી કરવાની છૂટ હોય તો ગણેશભક્તોને કેમ નહીં?

સાર્વજનિક ગણેશોત્સવને આડે હવે માત્ર બે મહિના જેટલો જ સમય બચ્યો છે. આ ઉત્સવ ભલે આઝાદીની ચળવળની જાગૃતિ માટે શરૂ કરવામાં આવ્યો હોય પરંતુ હવે તેની સાથે ધાર્મિક લાગણી એટલી હદે જોડાઇ ગઇ છે કે, 10 દિવસ સુધી શ્રીજીની આરાધના કરવા માટે યુવાઓ હંમેશા તત્પર રહેતા હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્સવ શરૂ થાયે તેના છ મહિના પહેલા જ પ્રતિમાઓનું નિર્માણ કાર્ય શરૂ થઇ જતું હોય છે. એક મહિના પહેલા તો મંડપ બાંધવાની કામગીરી પણ શરૂ થઇ જતી હોય છે. પરંતુ હાલમાં કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશ પર હાવી થઇ ગયું છે અને તેવા સંજોગોમાં ગયા વર્ષે સાર્વજનિક ગણેશોત્સવને પરવાનગી આપવામાં આવી ન હતી જેના કારણે ગણેશભકતોમાં ખાસી નારાજગી જોવા મળી હતી પરંતુ, તેના થોડા દિવસમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી હતી અને તેમાં તમામ પક્ષના નેતાઓએ જે રીતે ભીડ એકત્ર કરીને રેલીઓ કાઢી હતી તેમજ સભાઓ કરી હતી. તેને રોકવા માટે કોઇ અધિકારી આગળ આવ્યા ન હતાં. તો અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, શું કોરોના ફક્ત ગણેશ ભક્તોને જ નડે છે? સામાન્ય પ્રજાને જ નડે છે? નેતાઓને શા માટે નડતો નથી? કાયદાની જુદી જુદી કલમો બતાવીને તેમજ માસ્કના નામે સામાન્ય પ્રજા પાસે 1000-1000 રૂપિયાનો દંડ ફટકારતા અધિકારીઓની 56ની છાતી નેતાઓ સામે કેમ કમર જેવી સાંકળી થઇ જાય છે?

સુરતની જ વાત કરીએ તો અહીં ઘરમાં અને સાર્વજનિક સ્થળો પર આશરે 60 હજારથી વધુ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. જેમ અમદાવાદમાં અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથની રથ યાત્રાનું મહત્વ છે તેટલું જ મહત્વ સુરતમાં 10 દિવસના ગણેશોત્સવનું છે. અહીંના દરેક શેરી મહોલ્લા, સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટના રહેવાસીઓ ત્રણ ચાર મહિના પૂર્વેથી જ આ ઉત્સવની તૈયારી કરી દેતા હોય છે અને આખુ શહેર આ ઉત્સવમાં જોડાઇ છે. પરંતુ ગયા વર્ષે કોરોના સંક્રમણનું કારણ આપીને સરકારી બાબુઓએ સાર્વજનિક ગણેશોત્સવ પર પ્રતિબંધ લાદી દીધો હતો. સુરતના યુવાનોએ પણ તેમની આસ્થા પર પથ્થર મૂકીને મન મનાવી લીધું હતું. હવે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાની વચ્ચે જ આ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીને પરવાનગી આપવી જોઇએ કે નહીં? આ મુદ્દે હાલના તબક્કે અધિકારીઓ તો ઠીક પરંતુ શહેરના નેતાઓ પણ મોંઢા પર પટ્ટી બાંધીને બેસી ગયા છે. તેમને મૌની બાબા કહીએ તો પણ ખોટું નથી.

હજી ગયા અઠવાડિયે જ સુરતમાં પાલ ઉમરા બ્રિજ સહિતના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવા માટે સીએમ અને ડેપ્યુટી સીએમ આવ્યા હતા. તે સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા એ તો ઠીક પરંતુ 17મી જુલાઇએ સુરતની માતા ગણાતી તાપીનો પ્રાગટ્ય દિવસ હતો. જહાંગીરપુરા ખાતે આવેલી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ પરના ઓવારા પરથી તાપી માતાને ચૂંદડી ચઢાવવાનો તેમજ પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અહીં સુરતના પ્રથમ નાગરિક હેમાલી બોઘાવાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી આરતીમાં ઓછામાં ઓછા 150થી વધુ લોકો એકત્ર થયા હતા અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. જો અહીં 150 લોકો એકત્ર થઇને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને પૂજા કરી શકતા હોય તો સાર્વજનિક ગણેશોત્સવ જે શેરી મહોલ્લા કે સોસાયટીમાં ઉજવાઇ છે ત્યાં આરતીના સમયે પણ 50થી વધુ લોકો એકત્ર થતાં નથી. જો નેતાઓને ભીડ એકત્ર કરવાની છૂટ મળતી હોય તો સાર્વજનિક ગણેશોત્સવને પણ નિયંત્રણો સાથે છૂટ આપવી જ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *