પારડી દમણીઝાંપા હાઈવે સ્થિત સર્વિસ રોડ પાસે પરીયા રોડ પર છેલ્લા કેટલાક સમય થી એક વાહન સર્વિસ સ્ટેશનના કેમ્પસમાં મોબાઈલ ટાવરનું ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું હતું. જેની સામે સ્થાનિક લોકોમાં રોષ ઉઠી રહ્યો છે. અહીં એક મોબાઈલ કંપનીના ટાવરનું બાંધકામ હાથ ધરાયું હતું. જે હાઇવે સર્વિસ રોડના માર્જિનમાં આવી શકે તેવી લોકોમાં બૂમ ઉઠી છે. મોબાઈલ ટાવરના રિડ્યુસ લોકોના આરોગ્ય માટે જોખમ ઉભું કરી શકે છે. આ બાંધકામ અંગે પાલિકાના ચીફ ઓફિસર પ્રાચી દોશી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મોબાઈલ ટાવરનું બાંધકામ નોટિસ આપી બંધ કરાવ્યું છે. આ નિર્ણય આવનાર પાલિકાની કારોબારી બેઠકમાં બાંધકામની મંજૂરી માટે લેવાશે. તો બીજી તરફ ટાવરનું બાંધકામ બંધ કરાવ્યાની નોટિસ બાદ 50 ટકા જેટલું ટાવર ઉભો થતા અનેક તર્કવિતર્ક ઉઠી રહ્યા છે. વધુમાં પાલિકાએ આ નોટિસની કોપી મીડિયાને ન આપતા પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે. આ બાબતે પાલિકાના વિરોધપક્ષના નેતા ગુરમીત પાલે જણાવ્યું કે, તેઓ આગામી સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવશે.
