રાજ્ય ધોરણ 6 થી 8ના વર્ગો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગે કોર કમિટીમાં વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે, એવું રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના પાંચ વરસ પુર્ણ થવાના પ્રસંગે રાજ્યભરમાં ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે 9મી ઓગસ્ટ બાદ કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં કેટલીક શાળાઓ ફી ભરવા અંગે દબાણ કરી રહી હોવાની ફરિયાદો મળી છે. ત્યારે 25 ટકા ફી માફીની જાહેરાતનું જે શાળાઓ પાલન ન કરતી હોય, તેવી તમામ શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો કોઈ શાળા દબાણ કરીને ફી માંગતી હોય તો તેવી શાળાઓ સામે પણ પગલા લેવાશે. આ પહેલા ગયા અઠવાડિયે જ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે, રાજ્યમાં કોરોના ધીમે ધીમે ઓછો થતાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયામાં ધોરણ 5 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ જણાય છે. શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ 5 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.હાલમાં ધોરણ 9 થી 12ના વર્ગો તથા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે 50 ટકા સાથે આ વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્ર પણ સાથે લાવવાનું રહેશે.
ઓફલાઈન શિક્ષણની સાથે સાથે ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ધોરણ 12ના વર્ગો ચોકકસ નિયમો સાથે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી અને ત્યારબાદ ધોરણ 9 થી 12ના તમામ વર્ગો પણ ઓફલાઇન શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે બીજા વર્ગો અંગે શું જાહેરાત કરવામાં આવે છે તેના પર સૌની મીટ છે.