1000 કરોડના બોગસ બીલિંગમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે : નીતિન પટેલ

રાજ્ય વેરા ભવન અમદાવાદના નવિનિયુકત મકાનનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે બોગસ બીલિંગ કરતાં અને ટેક્સ ચોરી કરતા વેપારીઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. કોરોના કાળમાં પણ 1 હજાર કરોડના બોગસ બિલીંગ કૌભાંડનો પર્દાફાશ કરીને તે તમામ વ્યાપારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે. પટેલે કહ્યું હતું કે, ૪૦ વર્ષ જૂના બિલ્ડિંગનું આજે નવિનિકરણ થઇ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મકાન મળ્યું છે. જી.એસ.ટી. સેવાઓને દેશભરમાં 4 વર્ષ પૂરા થયા છે ત્યારે કરવેરા ભવનનું સુદ્રઢીકરણ કરી તેને ડિજિટલ કનેક્ટિવિટી સાથે અન્ય માળખાગત સુવિધાઓથી સજ્જ કરવું સમયની માંગ હતી. જેના પર ધ્યાન કેન્દ્રિત કરીને સરકારે સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. વેરા અને વાણિજ્યની લગતી તમામ કામગીરી અને વેરા થી થતી આવકનું સુવ્યવસ્થાપન કરવામાં આ નવીન બાંધકામમાં ઉપલબ્ધ સેવાઓ કારગર સાબિત થશે તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં જી.એસ.ટી. અને વેટ થી થતી આવકની અહમ ભૂમિકા છે. રાજ્યની અંદાજીત 70 થી 80 ટકા જેટલી આવક વિવિધ પ્રકારના વ્યાપર પરના જી.એસ.ટી. અને પ્રેટ્રોલ અને ડીઝલ પર લાગતા વેટ ટેક્સમાંથી થાય છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રથમ છ માસિક જી.એસ.ટી. અને વેટમાંથી થતી આવકમાં વધારો જોવા મળ્યો છે. કોરોના કાળના શરૂઆતના સમયમાં લોકડાઉનની પરિસ્થિતિઓમાં રાજ્ય પરિવહન ઠપ્પ થવાના કારણે પેટ્રોલ અને ડીઝલના વેટ ટેક્સમાંથી થતી આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો જે આ વર્ષે પૂર્વવત બન્યો છે. રાજ્યમાં જી.એસ.ટી. અમલી થયું ત્યારથી જ જી.એસ.ટી. કાઉન્સીલમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા નિયમિત પણે રાજ્ય સરકારને જી.એસ.ટી.ના અમલીકરણ થી થતી ખોટ પૂરવા નાણાકીય સહાય કરવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રી કહ્યું હતું કે રાજ્યમાં એક જીલ્લાથી અન્ય જીલ્લા અને એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં વેપારીઓને પરિવહન માટે 50 હજારથી વધુની રકમના માલ-સામાન માટે ઇ-વે બીલની ચૂકવણી ફરજીયાત બનાવી છે ત્યારે ગુજરાત રાજ્ય ઇ-વે બીલ જનરેશનમાં પણ દેશભરમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. કોરોનાકાળ વચ્ચે પણ 1 લાખ 60 હજાર જેટલા નવા વેપારીઓએ જી.એસ.ટી. રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના પ્રજાજનોને સરકારી હોસ્પિટલમાં 5000 કરોડ રૂપિયાના માતબર ખર્ચે નિશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવી છે.

મુખ્ય કમિશ્નર જે.પી.ગુપ્તા દ્વારા જીએસટી એનાલિટીક્સ અને ઇન્ટેલીજન્સ નેટવર્ક (GAIN) અને RFID આધારિત NIC ની સિસ્ટમના ઉપયોગ દ્વારા મોટાપાયે ચકાસણીની કામગીરી પધ્ધતિથી નાણામંત્રી નીતિન પટેલને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *