પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે બુધવારે સમગ્ર રાજ્યમાં નાઇટ કરફ્યુ વધારવાની અને 30 એપ્રિલ સુધી રાજકીય મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એસએડીના સુખીબીર બાદલને કોરોના ગાઈડલાઇનના પાલન વિના રેલીઓમાં ભાગ લેવાના ‘બેજવાબદાર વર્તન’ની ટીકા કરી હતી. સિંહે જણાવ્યું હતું કે, રાજકીય મેળાવડા પર પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમિક ડીસીસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે.સિંહે કહ્યું કે, ‘કેજરીવાલ અને બાદલ સહિતના કેટલાક રાજકીય નેતાઓના વર્તનથી તેઓ આશ્ચર્યચકિત છે, જે કોરોના ગાઈડલાઇનનું પાલન કર્યા વિના રાજકીય રેલીઓમાં ભાગ લેતા હતા’.તેમણે કહ્યું કે, જો વરિષ્ઠ રાજકીય નેતાઓ આવું વર્તન કરે તો લોકો પાસે કોરોના સામે ગંભીર બનવાની અપેક્ષા કેવી રીતે કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીની રાત્રિ કરફ્યુ રાજ્યના તમામ 22 જિલ્લાઓમાં લંબાવાશે. આ ઉપરાંત, છત્તીસગઢ સરકારે વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને બુધવારે રાયપુર જિલ્લામાં 9થી 19 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી. રાયપુરના કલેકટર એસ. ભારતી દસાને રાજ્યના પાટનગર સહિત જિલ્લાના સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરતો હુકમ જારી કર્યો છે અને 9 એપ્રિલે સાંજે 6 વાગ્યાથી 19 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધી જીવન જરૂરી સુવિધાઓ સિવાયની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. મધ્યપ્રદેશ સરકારે પણ બુધવારે રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં 8 એપ્રિલથી રાત્રિ કરફ્યુ લગાવવાની ઘોષણા કરી હતી અને આગામી ત્રણ મહિના સુધી અઠવાડિયામાં પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) જ સરકારી કચેરીઓ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. તેમજ, સરકારે આગામી ઑર્ડર સુધી દર રવિવારે તમામ જિલ્લાના શહેરી વિસ્તારોમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી અને ગુરુવારે સાંજે 8 વાગ્યાથી આગામી સાત દિવસો સુધી સમગ્ર છીંદવાડા જિલ્લામાં લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો.
